આજથી જામનગર સહિત રાજ્યભરમાં ધો. 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઇ રહ્યો છે. આજે સવારે ધો. 10નું પ્રથમ પેપર લેવાયું હતું. બપોરબાદ ધો. 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થશે. જામનગર શહેરમાં અજથી ધો. 10-12ની બોર્ડની પરીક્ષા પ્રારંભ થતાં પૂર્વમંત્રી અને ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા શિક્ષણાધિકારી કચેરી સહિતના મહાનુભાવોએ વિવિધ શાળાઓ ખાતે બોર્ડના પરીક્ષાર્થીઓને મોઢુ મીઠુ કરાવી શુભેચ્છા પાઠવી હતી. આજે ધો. 10માં ગુજરાતી અને ધો. 12માં સહકાર પંચાયત, નામાના મુળતત્વોનું પેપર
કોરોના મહામારીના કારણે ગતવર્ષે ધો. 10 અને 12ના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષામાં માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. આ વર્ષે કોરોના સંક્રમણ ઘટતાં સરકાર દ્વારા છૂટછાટો આપવામાં આવી છે. જ્યારે આજથી જામનગર સહિત સમગ્ર રાજ્યમાં ધો. 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો હતો. બે વર્ષ બાદ આજે પરીક્ષા યોજાતી હતી. ક્યાંક વિદ્યાર્થીઓમાં ખુશી તો ક્યાંક વિદ્યાર્થીઓમાં ડર પણ જોવા મળ્યો હતો. પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી, મીઢુ મોઠુ કરાવી પરીક્ષા ખંડમાં પ્રવેશ અપાયો હતો.
વિદ્યાર્થીઓની કારકિર્દીમાં મહત્વની બોર્ડની પરીક્ષાનો આજથી પ્રારંભ થતાં વિદ્યાર્થીઓની સાથે સાથે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી હતી. બોર્ડની પરીક્ષા શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે પોલીસ બંદોબસ્ત, સીસીટીવી કેમેરા સહિતની તકેદારી લેવામાં આવી હતી. રાજ્યભરમાંથી 14 લાખથી વધુ વિદ્યાર્થીઓ આજથી શરુ થતી બોર્ડની પરીક્ષા આપવાના છે. ધો. 10 અને 12માં જામનગર જિલ્લામાં 27,546 અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 14,709 વિદ્યાર્થીઓ નોંધાયા છે. જામનગરમાં ધો. 10માં 18,198, ધો. 12 સામાન્ય પ્રવાહમાં 7,776 અને ધો. 12 વિજ્ઞાન પ્રવાહમાં 1572 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. બોર્ડની પરીક્ષા ધો. 10ના વિદ્યાર્થીઓ માટે નવ કેન્દ્ર ઉપર 59 બિલ્ડીંગોમાં 601 બ્લોકમાં, ધો. 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે 6 કેન્દ્રો પર 23 બિલ્ડીંગોમાં 245 બ્લોકમાં તથા ધો. 12 વિજ્ઞાન પ્રવાહનું વિદ્યાર્થીઓ માટે બે કેન્દ્ર પર આઠ બિલ્ડીંગોમાં 81 બ્લોકમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. બોર્ડની પરીક્ષામાં કોઇ ગેરરીતિ ન થાય તેમજ ચોરીના દૂષણને અટકાવવા પરીક્ષા કેન્દ્રમાં વર્ગ-1 અને 2ના અધિકારીઓ ચેકિંગ કરશે.
આજથી બોર્ડની પરીક્ષા શરુ થતાં પૂર્વમંત્રી અને ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા સનસાઇન સ્કૂલમાં વિદ્યાર્થીઓને મોઢુ મીઠુ કરાવી બોર્ડની પરીક્ષા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. આ તકે શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલભાઇ કગથરા સહિતના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં. આ ઉપરાંત જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા જે.કે. સોની ક્ધયા વિદ્યાલયમાં પરીક્ષાર્થીઓને આવકારી શુભેચ્છાઓ પાઠવી હતી.