ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા 10 વર્ષ બાદ શિક્ષકોની બદલી-બઢતીના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. પ્રાથમિક શિક્ષકોની બદલીના નિયમો 2012માં થયા હતા, તેમાં સંગઠન અને શિક્ષકોના હિતમાં નવા નિયમો તૈયાર કર્યા છે. આ અંગે શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ આજે પત્રકાર પરિષદને સંબોધીને જાણકારી આપી હતી. શિક્ષણ વિભાગના આ નિર્ણય સીધી રીતે રાજ્યના 2 લાખ શિક્ષકોને અસર કરશે.
શિક્ષણમંત્રીએ જણાવ્યું કે, પ્રાથમિક શિક્ષકોની બદલીના નિયમો 2012માં થયા હતા, તેમાં સંગઠન અને શિક્ષકોના હિતમાં નવા નિયમો તૈયાર કર્યા છે.
અત્યાર સુધી જે-તે જિલ્લામાં ખાલી જગ્યાના 40 ટકા શિક્ષકોને જિલ્લા ફેરબદલીનો લાભ અપાતો હતો, તેના બદલે જે-તે જિલ્લામાં ખાલી 100 ટકા જગ્યા પર જિલ્લા ફેરબદલીનો લાભ આપવામાં આવશે.
તેમજ હવે જે બોન્ડેડ શિક્ષકોને 10 વર્ષ 1 જગ્યાએ નોકરીની શરતે નિમણૂંક અપાઈ છે, તેવા શિક્ષકો 5 વર્ષ પછી બદલીની અરજી કરી શકશે.
આ ઉપરાંત સરકારી કર્મચારી એક જિલ્લાથી બીજા જિલ્લામાં બદલીને પાત્ર છે, તેવા કર્મચારીઓના પતિ-પત્ની સરકારી શાળામાં મુખ્યશિક્ષક હોય તો તેઓને સરકારી કર્મચારીના બદલીવાળા જિલ્લામાં પ્રતિનિયુક્તિથી મુકી શકાશે.
જે શિક્ષકો વધ-ઘટની બદલીમાં અન્ય શાળામાં ગયા છે, તેવા શિક્ષકોને જો તેઓ મૂળ શાળામાં જગ્યા ખાલી પડે અને ઈચ્છે તો બદલીની માગણી કરી શકશે.
બદલીના કિસ્સામાં ફરિયાદ નિવારણ માટે એક સમિતિની રચના કરાઈ છે. અહીં શિક્ષકો તેમની સમસ્યા, બદલી અંગેની ફરિયાદ કરી શકશે.