જૈન એડ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત રાધિકા એડ્યુકેર સ્કુલ દ્વારા જામનગરના વિદ્યાર્થીઓ માટે નવા શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં ગણિત અને વિજ્ઞાન પ્રદર્શન મેળાનું આયોજન તા. 18 અને 19 જૂનના રોજ કરવામાં આવ્યું છે. આ વિજ્ઞાન મેળાનું આયોજન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રજુ કરેલ ન્યુ એડ્યુકેશન પોલીસીને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે. બાળકોને ગણિત અને વિજ્ઞાન વિષયો પ્રત્યે રૂચી વધે અને તેમાં આગળ વધી શકે તેવા હેતુથી આ વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. વિજ્ઞાન પ્રદર્શન મેળામાં રાધિકા સ્કુલ દ્વારા પ્રદર્શિત કરવામાં આવેલા પ્રોજેક્ટ્સમાં અને સાયન્સ ગેમ્સમાં બધા વિદ્યાર્થીઓ ભાગ લઇ શકશે.
વાલીઓ પણ બાળકો સાથે આ કાર્યક્રમમાં જોડાઈ શકે છે અને બાળકોને ભાગ લેવા પ્રોત્સાહિત કરી શકે છે. કાર્યક્રમમાં ખાસ વાલીઓ અને બાળકો માટે અન્ય પ્રોગ્રામ્સ જેમકે ફ્રી મેડીકલ ચેકઅપ કેમ્પ (નેચરોપેથી), મેડીક્લેમ યોજના માર્ગદર્શન, કેરિયર માર્ગદર્શન, પુનઃપ્રાપ્ય ઉર્જા (સૌર ઉર્જા) સ્ત્રોત વિષે માહિતી, કોડીંગ અને ફ્રેન્ચ લેંગ્વેજ માર્ગદર્શન, વિશેષ આવશ્યકતા (સ્પેશિયલ નીડ) બાળકો માટે માર્ગદર્શન વગેરે કેમ્પ પણ આયોજન કરવામાં આવ્યા છે. આ સમગ્ર કાર્યક્રમ બાળકો અને વાલીઓ માટે તદ્દન નિશુલ્ક છે.
કાર્યક્રમ માટેનો સમય તા.18 જૂન શનિવારના સવારે 9 થી 12.30 અને બપોરે 3.30 થી સાંજે 6.30 સુધી અને તા.19 જૂન રવિવારના રોજ સવારે 10 વાગ્યા થી બપોરે 2 વાગ્યા સુધીનો રહેશે. કાર્યક્રમનું સ્થળ રાધિકા એડ્યુકેર સ્કુલ, મહા પ્રભુજી બેઠક પાસે રાખવામાં આવ્યું છે. તમામ કાર્યક્રમ સ્કુલ પરિસરમાં યોજવામાં આવ્યા છે અને આ કાર્યક્રમ જૈન એડ્યુકેશન ટ્રસ્ટના ચેરમેન ડૉ. ભરતેશ શાહના નેજા હેઠળ કરવમાં આવ્યું છે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સ્કુલના પ્રિન્સીપાલ શિવાની આચાર્યની આગેવાનીમાં સંપૂર્ણ સ્ટાફે ધો.5 થી 10 ના 200 જેટલા વિદ્યાર્થીઓ સાથે ખુબ સુંદર આયોજન કર્યું હતું.