ખંભાળિયા શહેર તથા તાલુકા માટે યોજાતા એકમાત્ર એવા વિશાળ લોકમેળા શિરેશ્વર મહાદેવના મંદિરના વિશાળ પટાંગણમાં યોજાતા લોકમેળાના વિવિધ પ્લોટ્સ માટે શુક્રવારે સવારથી યોજવામાં આવેલી જાહેર હરાજીમાં અગાઉના વર્ષો કરતા ત્રણ ગણી અને રેકોર્ડ રૂપ રૂ. 87.56 લાખની આવક ગ્રામ પંચાયતને થવા પામી છે.
ખંભાળિયા શહેર નજીક આવેલી શક્તિનગર ગ્રામ પંચાયતમાં વર્ષોથી ભાદરવા સુદ ત્રીજ-ચોથ-પાંચમના યોજાતા લોકમેળા આ વર્ષે પણ આગામી તારીખ 18 થી 21 સુધી ચાર દિવસ માટે યોજવામાં આવ્યા છે. આ લોકમેળામાં વિવિઘ પ્રકારના પ્લોટ્સ માટે ગ્રામ પંચાયત દ્વારા જાહેર હરાજી યોજવામાં આવી હતી. આ લોકમેળાના સ્થળ શ્રી શિરેશ્વર મહાદેવ મંદિરના પટાંગણ ખાતે સવારે જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી. ધાનાણીના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવેલી જાહેર હરાજીમાં પંચાયત દ્વારા જારી કરવામાં આવેલા નકશા મુજબ 185 પ્લોટ માટે બોલી બોલવામાં આવી હતી. જેમાં ગ્રામ પંચાયતના હોદ્દેદારો તેમજ તાલુકા વિકાસ અધિકારી એ.આઈ. શેખની ઉપસ્થિતિમાં આ હરાજીની કાર્યવાહી આજરોજ સાંજ સુધી ચાલી હતી.
અત્રે ઉલ્લેખનિય છે કે શક્તિનગર વિસ્તારમાં યોજાતો અને મીની તરણેતરની ઉપમા પામેલો આ લોકમેળો ફક્ત ખંભાળિયા શહેરના જ નહીં, પરંતુ આસપાસના જિલ્લાના લોકો માટે પણ આકર્ષણરૂપ હોય, અહીં આવતા વિવિધ ધંધાર્થીઓ માટે ફાયદારૂપ મનાતા આપ પ્લોટ્સની હરાજીમાં જુદા જુદા વિસ્તારોમાંથી ધંધો-રોજગાર કરવા ઇચ્છતા લોકો ઉમટી પડ્યા હતા.
આ હરાજીમાં ગ્રામ પંચાયતને સૌથી વધુ 1 નંબરના મોકાના પ્લોટના રૂપિયા 2,90,000 ઉપજ્યા હતા. જ્યારે સૌથી ઓછા છેલ્લા 185 નંબરના પ્લોટના રૂપિયા 3,600 અપસેટ પ્રાઇઝ મુજબ મળ્યા હતા. આ વચ્ચે ઉલ્લેખનિય છે કે રાઇડ્સ માટે બનાવવામાં આવેલા કુલ 31 પ્લોટની અપસેટ પ્રાઇસ રૂ. 51,000 નક્કી કરવામાં આવી હતી. તેની સામે સૌથી વધુ 1 નંબરના પ્લોટના રૂપિયા 2.90 લાખ જ્યારે સૌથી ઓછી પાછળના પ્લોટ્સની અપસેટ પ્રાઇસ રૂપિયા 3,500 નક્કી કરવામાં આવી હતી. જેની સામે 3,600 ની બોલી બોલાઈ હતી. આમ, રાઇડ્સ માટેના મોટા પ્લોટના જ રૂપિયા 50 લાખથી વધુ ગ્રામ પંચાયતને ઉપજ્યા હતા.
મહત્વની બાબત તો એ છે કે ગત વર્ષે રેકોર્ડ રૂપ રૂ. 28.74 લાખની હરાજીની આવક થઈ હતી. પરંતુ આ વખતે અંદાજ કરતા વધુ અને ગત વર્ષ કરતાં પણ આશરે ત્રણ ગણી 87.56 લાખની રકમ મળતા સૌ કોઈ આશ્ચર્યચકિત થયા હતા. આ સમગ્ર કાર્યવાહી પારદર્શક રીતે થાય તે માટે સંપૂર્ણ વીડિયો રેકોર્ડિંગ કરવામાં આવ્યું હતું. આ મેળાની મંજૂરી, પ્રારંભ તેમજ અંત સુધીની તમામ બાબતોને વણી લઇ અને ગ્રામ પંચાયત દ્વારા ખાસ ડોક્યુમેન્ટરી પણ કરવામાં આવી રહી હોવાની માહિતી ગ્રામ પંચાયતના સરપંચ પુનમબેન મયુરભાઈ નકુમે આપી હતી.
આ તમામ કામગીરી ગ્રામ પંચાયતના સરપંચ પૂનમબેન મયુરભાઈ નકુમ, ઉપસરપંચ હેતલબા ચંદ્રસિંહ જાડેજા તથા તલાટી કમ મંત્રી પી.ડી. વિંઝુડા દ્વારા કરવામાં આવી હતી. જેમાં અહીંના તાલુકા વિકાસ અધિકારી, આ વિસ્તારના તાલુકા પંચાયતના બે સદસ્યો, તાલુકા પંચાયતના મદદનીશ ઈજનેર, વિસ્તરણ અધિકારી, નાયબ હિસાબનીશ, સિનિયર એકાઉન્ટ ક્લાર્ક તેમજ હર્ષદપુર – રામનગર વિસ્તારના તલાટી કમ મંત્રી વિગેરેની ખાસ ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. શક્તિનગરના આ શિરેશ્વર લોકમેળાને લોકો નિર્વિઘ્ને મન ભરીને માણી શકે તે માટે શક્તિનગર ગ્રામ પંચાયત દ્વારા નોંધપાત્ર જહેમત ઉઠાવવામાં આવી રહી છે.