કાલાવડ ગામમાં એસ.ટી. રોડ પર આવેલી એગ્રોના દુકાનદારને પત્રકાર તરીકે ઓળખ આપી ડુપ્લીકેટ દવાઓનું વેચાણ કરવાના નામે 50 હજારની માગણી કરી ધમકી આપ્યાના બનાવમાં પોલીસે બે શખ્સો વિરુધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
આ બનાવની વિગત મુજબ, કાલાવડ ગામમાં એસ.ટી. ડેપો મેઈન રોડ પર ‘જય એગ્રો’ નામની દુકાન ચલાવતા ખેડૂત ચંદુભાઈ રવજીભાઈ ડોબરિયા નામના વેપારીને ત્યાં હિતેશ ભીખુ ડોબરિયાએ આઇએનએ ચેનલના પત્રકાર તરીકે ઓળખ આપી તમે ડુપ્લીકેટ દવાઓનું વેચાણ કરો છો અને બિલ વગરની દવાઓ વેચો છો આવા બહાના હેઠળ પતાવત કરવા બળજબરીથી રૂા.50 હજારની માગણી કરી હતી તેમજ જુદા જુદા લોકો પાસે પતાવત કરવા મોબાઇલ ફોન પર પૈસાની માગણી કરી અને જો પૈસા નહીં આપો તો પોલીસ મારફતે રેઈડ કરાવી દુકાન બંધ કરાવી દેવાની ધમકી પણ આપી હતી તેમજ અન્ય વ્યકિતઓ પાસેથી આ રીતે ધાક-ધમકી આપી નાણાં પડાવવાનો પ્રયાસ કર્યો હતો.
પત્રકારના નામે પૈસા માટે ધમકી આપતા હિતેશથી ત્રાસથી ગયેલા વેપારી યુવાને આ મામલે પોલીસમાં જાણ કરતા પીએસઆઇ વાય.આર. જોશી તથા સ્ટાફે વેપારીના નિવેદનના આધારે હિતેશ ડોબરિયા અને અજાણ્યા સહિતના શખ્સો વિરુધ્ધ ગુનો નોંધી ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.
કાલાવડના ખેડૂત વેપારી પાસેથી પત્રકાર દ્વારા પૈસા પડાવવાનો પ્રયાસ
ડુપ્લીકેટ બીલ વગરની દવાઓ વેચવાના નામે બળજબરીથી 50 હજારની માંગણી : પોલીસ દ્વારા રેઈડ પડાવી દુકાન બંધ કરાવી દેવાની ધમકી