કાલાવડમાં રહેતાં યુવાનની બહેન સાથે પ્રેમલગ્ન કર્યા બાદ દુ:ખત્રાસ આપતા બનેવી વિરૂઘ્ધ નોંધાવેલી ફરિયાદનો ખાર રાખી બનેવીએ સાળાને ગાળો કાઢી, ઢીકાપાટુનો માર મારી, છરી વડે હુમલો કરી, મારી નાખવાની ધમકી આપી હતી.
બનાવની વિગત મુજબ કાલાવડ ગામમાં ચમન ટેકરી વિસ્તારમાં રહેતા સદાભાઇ ગફારભાઇ બારાડી (ઉ.વ.33) નામના વેપારી યુવાનની બહેન કરીશ્મા કાલાવડના જુનેદ જીકર રાવ નામના શખ્સ સાથે પ્રેમલગ્ન કર્યા હતા. આ પ્રેમલગ્ન બાદ જુનેદ કરીશ્માને દુખત્રાસ આપતો હતો. જેથી તેના વિરૂઘ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદનો ખાર રાખી જુનેદએ રવિવારે રાત્રિના સમયે સદામ બારાડી નામના સાળાને આંતરીને જેમ ફાવે તેમ ગાળો કાઢી ઢીકાપાટુનો માર માર્યો હતો. તેમજ છરી વડે હુમલો કરી લોહીલુહાણ કરી ઇજા પહોંચાડી હતી. અને બીજીવાર મળીશ તો તને પુરો કરી દઇશ તેવી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણના આધાર હે.કો. ડી. એસ. જાડેજા તથા સ્ટાફએ સદામના નિવેદનના આધારે તેના જ બનેવી ઉપર સામે ગુનો નોંધી આગળની તપાસ આરંભી હતી.


