કાલાવડ તાલુકાના મોટાવડાળા ગામમાં રહેતા યુવાને વેંચાતી લીધેલી કાર પરિવારજનોને ન ગમતા પરત આપી સુથીના પૈસા માંગતા શખ્સે મન ફાવે તેમ ગાળો કાઢી ચા ની કીટલી વડે અને ઢીકાપાટુનો માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી.
હુમલાના બનાવની વિગત મુજબ, કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામમાં રહેતાં જમનભાઇ ગોરધનભાઈ બુસા નામના યુવાને તેના જ ગામના ચીમન વલ્લભ કોટડિયા નામના શખ્સ પાસે રહેલી ફાયસ્ટા કારનો રૂા.દોઢ લાખમાં સોદો કરી 50 હજાર સુથી આપી હતી. ત્યારબાદ યુવાને કાર તેમના પરિવારજનોને બતાવતા પરિવારજનોને કાર પસંદ ન પડી હતી. તેથી પરત આપી દેવાનું કહ્યું હતું. ત્યારબાદ યુવાને શખ્સને સુથીના પૈસા પાછા આપવાનું કહેતાં ચિમન વલ્લભ કોટડિયાએ જમનને પાતામેઘપર ગામની ચોકડી એ બોલાવ્યો હતો. જ્યાં તેણે ગઈકાલે બપોરના સમયે ગાળો કાઢી જમનના માથામાં ચા ની કીટલી વડે માર મારી ઢીકાપાટુનો માર માર્યો હતો. તેમજ હુમલો કર્યા બાદ પતાવી દેવાની ધમકી આપી હતી. હુમલો અને ધમકીના બનાવ અંગેની જાણ કરાતા હેકો વાય.પી. ગોહિલ તથા સ્ટાફે ઈજાગ્રસ્તના ભાઇ ભીખાભાઈના નિવેદનનાા આધારે શખ્સ વિરૂધ્ધ હુમલો અને ધમકીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.