જામનગર તાલુકાના મુંગણી ગામમાં શુક્રવારે રાત્રિના સમયે સીક્કા ટીપીએસમાં ફલાયએસના કોન્ટ્રાકટ બાબતે ચાલતા મનદુ:ખમાં બે જૂથ વચ્ચે સામસામી થયેલી સશસ્ત્ર અથડામણમાં અડધો ડઝનથી વધુ લોકો ઘવાયા હતાં. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. પોલીસે બંદોબસ્ત ગોઠવી બંને પક્ષની સામસામી ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના મુંગણી ગામમાં ગત શુક્રવારે રાત્રિના સમયે કોન્ટ્રાકટર અને ટ્રાન્સપોર્ટર અજીતસિંહ જીલુભા જાડેજા તથા મનોજસિંહ અને કેશુભા સમાજવાડી પાસે બેઠા હતાં ત્યારે જેસીબી વડે જમીન લેવલીંગ કરતા જયરાજસિંહ ગુમાનસિંહ જાડેજા સાથે સમાજવાડીને અડચણરૂપ કાર લેવા બાબતે થયેલી બોલાચાલી અને સીક્કા ટીપીએસમાં ફલાયએસના કોન્ટ્રાકટર બાબતે ચાલતા મનદુ:ખનો ખાર રાખી રવિરાજસિંહ ગુમાનસિંહ જાડેજા, જયરાજસિંહ ગુમાનસિંહ જાડેજા, ભરતસિંહ ગુમાનસિંહ જાડેજા, જાફર યુસુબ વસા, વનરાજસિંહ દેદા અને સહદેવસિંહ ઉર્ફે વિરાટ કેર, સહિતના છ શખ્સોએ એકસંપ કરી તલવાર વડે અજીતસિંહ ઉર્ફે હુમલો કર્યો હતો. જ્યારે ભરતસિંહે ગેેડાનો ઘા ઝીંકયો હતો તથા ધારીયાનો ઉંધો ઘા ઝીંકી પ્રાણઘાતક હથિયારો સાથે જીવલેણ હુમલો કર્યો હતો.
જ્યારે સામાપક્ષે આ હુમલાના બદલામાં કેશુભા વિભાજી જાડેજા, ભરતસિંહ દોલુભા કેર, જીતુભા દોલુભા કેર, રાજેન્દ્રસિંહ જીતુભા જાડેજા, અજીતસિંહ જીલુભા જાડેજા, મનોજસિંહ રણજીતસિંહ જાડેજા, જયદેવસિંહ કેશુભા કેશરાણા અને દિલીપસિંહ ઘોઘુભા પીંગળ સહિતના આઠ શખ્સોએ એકસંપ કરી તલવાર, લોખંડના પાઈપ જેવા હથિયારો વડે રવિરાજસિંહ ગુમાનસિંહ જાડેજા તથા જયરાજસિંહ, ભરતસિંહ, અજીતસિંહ સહિતનાઓ ઉપર ધારીયા જેવા હથિયારો વડે હુમલો કર્યો હતો. તેમજ ઘર બહાર પાર્ક કરેલા વાહનમાં ડમ્પર અથડાવી નુકસાન પણ પહોંચાડયું હતું.
બે જૂથ વચ્ચે કોન્ટ્રાકટ બાબતે સામસામી થયેલી સશસ્ત્ર અથડામણને કારણે અડધો ડઝનથી વધુ લોકો ઘવાયા હતાં. ઈજાગ્રસ્તોને સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવની જાણ થતા પીએસઆઈ આર.એચ. બાર તથા સ્ટાફ હોસ્પિટલે અને ઘટનાસ્થળે દોડી ગયો હતો. તેમજ સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. પોલીસે અજીતસિંહ જાડેજાના નિવેદનના આધારે રવિરાજસિંહ સહિતના છ શખ્સો વિરૂધ્ધ રાયોટીંગ અને હત્યાના પ્રયાસનો તથા સામાપક્ષે રવિરાજસિંહના નિવેદનના આધારે કેશુભા વિભાજી જાડેજા સહિતના આઠ શખ્સો વિરૂધ્ધ રાયોટીંગ અને હુમલાનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.