જામનગર શહેર અને જિલ્લાના સંવેદનશીલ દરિયાકિનારેથી અનેક વખત નશિલા પદાર્થની ઘૂષણખોરી થતી હોવાનું પોલીસ દફતરે નોંધાયેલું છે. ત્યારે એસઓજીની ટીમે વધુ એક રેઈડ દરમિયાન દિગ્જામ સર્કલ પાસેથી ગાંજાના જથ્થા સાથે બનાસકાંઠાના પાલનપુર ગામના શખ્સને દબોચી લઇ પૂછપરછ આરંભી હતી.
સંવેદનશીલ એવા હાલારના દરિયાકિનારેથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થતી હોવાનું પોલીસ દફતરે નોંધાઈ છે ત્યારે આ દરિયાકિનારાનો ઉપયોગ અનેક વખત નશીલા પદાર્થની ઘૂષણખોરી કરવા માટે ઉપયોગમાં લેવાતો હોય છે. છેલ્લાં ઘણાં સમયથી હાલારમાંથી અનેક વખત જંગી રકમનો નશીલા પદાર્થનો જથ્થો અવાર-નવાર પોલીસ ઝડપી લેતી હોવાનું જાહેર થયું છે ત્યારે આ દરિયાકિનારેથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો ધમધમાટ હજુ પણ થતો હોય તેવી શકયતાઓ નકારી શકાતી નથી. દરિયાઈ વિસ્તારમાં ત્રિસ્તરીય પેટ્રોલિંગ વધારવું જરૂરી બની ગયું છે. કેમ કે, જામનગર અને દ્વારકા જિલ્લામાંથી નશીલા પદાર્થ ઝડપાવવાની ઘટનાઓ ચિંતાજનક રીતે વધતી જાય છે. દરમિયાન એસઓજીના બલભદ્રસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા અને દિનેશ સાગઠીયાને મળેલ બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઇ બી.એન. ચૌધરી અને પીએસઆઈ એલ.એમ. ઝેરના માર્ગદર્શન હેઠળ ટીમે દિગ્જામ સર્કલ પાસે આવેલ મહાનગરપાલિકાના પાણીના ટાંકાના ગેઈટ પાસે વોચ ગોઠવી હતી.
એસઓજીની ટીમે બાતમી મુજબના ગે્ર કલરના ચેકસવાળો શર્ટ તથા ગે્ર કલરનું પેન્ટ પહેરેલ શખ્સ બેઠો હોવાનું જણાવતા ટીમે બાતમી મુજબના શખ્સને દબોચી લઇ તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.28,000 ની કિંમતનો 2 કિલો 800 ગ્રામ નશીલા પદાર્થ ગાંજાનો જથ્થો તેમજ રૂા.10,000 ની કિંમતનો એક મોબાઇલ તથા વીમલ પાન-મસાલાનો થેલો સહિત કુલ રૂા.38000 નો મુદ્દામાલ મળી આવતા પાલનપુરના ઝુંપડપટ્ટી વિસ્તારમાં રહેતાં મનોજ હરીસીંગ કોળી નામના શખસને ગાંજાના જથ્થા સાથે દબોચી લઇ એનડીપીએસ એકટ મુજબ ગુનો નોંધી પુછપરછ હાથ ધરતાં આ ગાંજાનો જથ્થો જામનગરના રાજા કોળીને વેંચવા માટે આપવા આવતો હતો. તેમજ આ ગાંજામાં કિશન હરિસિંગ કોળીની પણ સંડોવણી ખુલ્લી હતી જેના આધારે એસઓજીએ ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી અન્ય બે શખ્સ્ોની શોધખોળ આરંભી હતી.