Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયજાન્યુઆરી-24 માં તૈયાર થઇ જશે અમદાવાદ-મુંબઇ-દિલ્હી એકસપ્રેસ-વે

જાન્યુઆરી-24 માં તૈયાર થઇ જશે અમદાવાદ-મુંબઇ-દિલ્હી એકસપ્રેસ-વે

- Advertisement -

1280 કિલોમીટર લાંબો આઠ લેન ધરાવતો મુંબઇ-દિલ્હી એક્સપ્રેસ હાઇવે જાન્યુઆરી-2024થી ધમધમતો થઇ જશે. હાલ મુંબઇથી દિલ્હીની મુસાફરી માટે 24 કલાકનો સમય લાગે છે, પરંતુ આ એક્સપ્રેસ હાઇવે તૈયાર થઇ ગયા બાદ આ મુસાફરીનો સમય અડધો ઘટીને 12 કલાકનો થઇ જશે. અમદાવાદ, વડોદરા, દાહોદ, ગોધરા, સુરત, ભરૂચ, અંકલેશ્ર્વર અને વાપીથી અવાર-નવાર મુંબઇ જતાં ગુજરાતીઓને પણ આ એક્સપ્રેસ વે તૈયાર થઇ જતાં મોટો લાભ થશે. કેમ કે, તેમની મુંબઇની મુસાફરીના સમયમાં ત્રણ કલાકનો ઘટાડો થઇ જશે. નવા તૈયાર થઇ રહેલાં મુંબઇ-દિલ્હી એક્સપ્રેસ વે ઉપર વાહનોની સ્પીડ લિમિટ પ્રતિ કલાકના 120 કિ.મીની રહેશે. ઉલ્લેખનિય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વર્ષે 12 ફેબ્રુઆરીના રોજ દિલ્હી-દૌસા એક્સપ્રેસ વેના એક પટ્ટાનું ઉદઘાટન કરતાં દિલ્હી-જયપુર વચ્ચેની મુસાફરીના સમયમાં અડધો અડધ ઘટાડો થઇ ગયો છે. મુબઇ-દિલ્હી એકસપ્રેસ વે ના બીજા તબક્કામાં સોહના-વડોદરા વચ્ચેના પટ્ટાને તૈયાર કરવામાં આવશે. આ નેશનલ એક્સપ્રેસ વે-4નું બાંધકામ 2018માં શરૂ કરાયું હતું. નેશનલ હાઇવે ઓથોરિટિ ઓફ ઇન્ડિયાના સૂત્રોએ કહ્યું હતું કે, નેશનલ એક્સપ્રેસ વે-4નું વડોદરાથી અંકલેશ્ર્વર વચ્ચેનું બાંધકામ લગભગ પૂરું થવા આવ્યું છે. ભરૂચ પાસે જમીનો સંપાદન કરવામાં ખેડૂતોને વળતર આપવા બાબતે કેટલાંક પ્રશ્ર્નો ઉભા થયા છે, પરંતુ તે તમામ પ્રશ્ર્નોનું ટૂંક સમયમાં જ નિરાકરણ લાવી દેવામાં આવશે. અનઅપેક્ષિત અવરોધોને બાદ કરતાં અમે આ એક્સપ્રેસ વે નું કામ જાન્યારી-2024માં પૂર્ણ થઇ જાય એવી આશા રાખી રહ્યા છીએ એમ સૂત્રોએ કહ્યું હતું.

- Advertisement -

NHAIના ટોચના સૂત્રોએ કહ્યું હતું કે, દિલ્હી-મુંબઇ વચ્ચેનું અંતર અડધો-અડધ ઘટી જશે સાથોસાથ અમદાવાદ-મુંબઇ વચ્ચેની મુસાફરી માટે હાલ જે 8 કલાકનો સમય લાગે છે તે ઘટીને 5 કલાકનો થઇ જશે. એટલે કે, અમદાવાદ-મુંબઇ વચ્ચેની મુસાફરીના સમયમાં 3 કલાકનો ઘટાડો થઇ જશે. રાજસ્થાનના દૌસા અને કોટાને જોડતો દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ વે દિલ્હીથી શરૂ થશે(જેમાં રાજસ્થાન અને હરિયાણાના મહત્વના શહેરોને જોડતા જંક્શનનો પણ સમાવેશ થઇ જશે) અને રતલામથી મધ્યપ્રદેશમાં પ્રવેશશે (ઇન્દોર અને ભોપાલ શહેરને જોડતા રોડ સાથે કનેક્ટ થશે). ત્યાંથી તે દાહોદ થઇને ગુજરાતમાં પ્રવેશશે અને ગોધરા, વડોદરા, ભરૂચ, અંકલેશ્વર અને વાપી પાસેથી પસાર થઇને મહારાષ્ટ્રમાં પ્રવેશ કરશે (નિશ્ર્ચત કરેલાં જંક્શન ખાતે માર્ગમાં આવતા કેટલાંક શહેરોને જોડતા રોડ જોડાઇ જશે) એમ સૂત્રોએ કહ્યું હતું.

અમદાવાદ-વડોદરા વચ્ચેનો નેશનલ એક્સપ્રેસ વે-4 અને અમદાવાદ-વડોદરા વચ્ચેનો નેશનલ હાઇવે-8 વડોદરા ખાતે નેશનલ એક્સપ્રેસ વે-4(દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ વે) સાથે જોડાઇ જશે. અર્થાત અમદાવાદથી મુંબઇ જનારા લોકોની મુસાફરીના સમયમાં નોંધપાત્ર ઘટાડો થઇ જશે. એ જ રીતે અમદાવાદથી દિલ્હી વચ્ચેની મુસાફરીના સમયમાં પણ 4 કલાકનો ઘટાડો થઇ જશે.

- Advertisement -

સૂત્રોએ કહ્યું હતું કે, મુંબઇ-દિલ્હી વચ્ચેના એક્સપ્રેસ વે ઉપર ચા-પાણી અને નાસ્તા માટે એટલે કે રિફ્રેશમેન્ટ માટે પ્રત્યેક 50થી 60 કિલોમીટરના અંતરે સુવિધા ઉભી કરવામાં આવી છે. આ એક્સપ્રેસ વે ઉપર રખડતાં ઢોર ઘૂસી જાય નહીં તે માટે ફેન્સિંગની સુવિધા પણ ઉભી કરવામાં આવી છે. તે ઉપરાંત કેટલાંક ચોક્કસ નિર્ધારિત કરેલા સ્થાનો ઉપર મેડિકલ સુવિધાઓ પણ ઉભી કરવામાં આવી છે. આ એક્સપ્રેસ વે ઉપર કોઇપણ ટુ વ્હીલર્સ કે થ્રી વ્હીલર્સ વાહનોને પ્રવેશવા ઉપર પ્રતિબંધ છે એમ સૂત્રોએ ઉમેર્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular