ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચાર માટે 19મી એપ્રિલ પછી ગુજરાતની મુલાકાતે આવે તેવી સંભાવના છે. ક્ષત્રિય સમાજના વિરોધ વંટોળ વચ્ચે તેઓ ગુજરાતમાં બધું વ્યવસ્થિત કરવા રાજકોટમાં જાહેર સભાને સંબોધન કરશે. તેમનો પ્લાન રાજ્યના ચાર ઝોનમાં જાહેર સભા અને રેલીઓ કરવાનો છે.
પાર્ટીના સૂત્રોએ જણાવ્યું હતું કે વડાપ્રધાન 22મી એપ્રિલે રાજકોટમાં જાહેર સભા કરશે. તેઓ ઉમેદવારી ફોર્મ ભરવાના આખરી દિન 19મીએ ગુજરાત આવી શકે છે. તેઓ તેમની આ મુલાકાતમાં સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત જેવા ઝોનને આવરી લેતી છ જાહેર સભાઓ કરશે. ગુજરાતમાં 7મી મેના રોજ મતદાન છે. વડાપ્રધાન મોદી ગુજરાતના નોંધાયેલા મતદાર છે. તેથી દર વખતની જેમ આ વખતે પણ તેઓ અમદાવાદમાં રાણીપ સ્થિત મતદાન કેન્દ્ર પર પોતાનો મત આપશે. તેઓ પ્રત્યેક ચૂંટણી સમયે મત આપવા માટે આવે છે. સૂત્રો જણાવે છે કે મોદી ગુજરાતમાં 22મી એપ્રિલે ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે. તેઓ જાહેર સભા અને રોડ-શો પણ કરશે. એક દિવસમાં બે સભાનું આયોજન અત્યારે વિચારવામાં આવ્યું છે. જો કે તેમનો સત્તાવાર કાર્યક્રમ હજી સુધી તૈયાર થયો નથી. પાર્ટી માને છે કે મોદીના ગુજરાતમાં ચૂંટણી પ્રચારથી રૂપાલા સામેનો ક્ષત્રિય સમાજનો વિવાદ શાંત થવાની ધારણા છે.