જામનગર નજીકના સંચાણા ગામમાં પારિવારિક વિવાદને લઈને બે ભાઈઓ પર એસિડ ફેંકી હુમલો કરાયાની ઘટના સામે આવી છે. આ હુમલાની ઘટના બાદ પોલીસ એકશનમાં આવી ગઇ હતી અને સંચાણામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી જળવાય રહે તે માટે કોમ્બીંગ હાથ ધરવામાં આવ્યું હતું.
મળતી માહિતી મુજબ, જામનગર તાલુકાના સંચાણા ગામમાં રહેતા સમીર કકકલ અને અસ્ફાક કકકલ નામના બન્ને ભાઇઓ ઉપર તેની બહેનના લગ્ન બાદ છુટાછેડાનો કેસ ચાલી રહ્યો હતો. આ કેસ સંદર્ભે જ બન્ને ભાઇઓના સગા બનેવી તથા તેમના સાગરીતો દ્વારા બોલાચાલી અને ઝઘડો કરી એસીડ ફેંકી હુમલો કર્યાની ઘટનામાં બન્ને ભાઇઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. આ મામલે ભાઇઓ દ્વારા તેના બનેવી અને સાગરીતો દ્વારા હુમલો કરાયાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો જે મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.
દરમિયાન રેંજ આઇજી નિલીપ્ત રાય અને પોલીસ અધિક્ષક રવી મોહન સૈનીની સુચનાથી ગ્રામ્ય ડીવાયએસપી મિત રૂદલાલના ઈન્ચાર્જ હેઠળ તેમજ પંચકોશી ’એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર આઈ.એ. ઘાસુરા, એલ.સી.બી.ના પોલીસ સબ ઈન્સ્પેક્ટર એમ.વી. ભાટીયા, એસ.ઓ.જી.ના પોલીસ સબ ઈન્સ્પેક્ટર એલ.એમ. ઝેર તથા એલ.સી.બી., એસ.ઓ.જી., પંચકોશી ’એ’ ડિવિઝન અને જોડીયા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા સચાણા ગામમાં વિવિધ સ્થળોએ કોમ્બિંગ અને ચેકિંગ કરવામાં આવ્યું હતું. કોમ્બિંગ દરમિયાન અગાઉથી નોંધાયેલા ગુનાહિત રેકોર્ડ ધરાવતા તથા પોલીસની તપાસમાં રહેલા શખ્સોની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં એચ.એસ.ના બે શખ્સ, એમ.સી.આરના છ શખ્સ, શરીર સંબંધી ગુનાના ચાર આરોપી તથા એન.ડી.પી.એસ.ના એક આરોપી સહિત કુલ 13 શખ્સોની તપાસ કરવામાં આવી હતી.
View this post on Instagram
આ ઉપરાંત ચેકિંગ દરમિયાન ચાર વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા સચાણા ગામમાં અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા શખ્સો પર નજર રાખી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસ દ્વારા જણાવાયું છે કે વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ અસામાજિક તત્વો સામે અસરકારક કાર્યવાહી થાય તે માટે આવા કોમ્બિંગ અને ચેકિંગની કામગીરી આગળ પણ ચાલુ રાખવામાં આવશે.


