જામનગર શહેરમાં આવેલ ધાર્મિક સંસ્થા 5 નવતનપુરી ધામ ખીજડા મંદિર ધાર્મિક પ્રવૃત્તિઓની સાથોસાથ શિક્ષણ, સમાજ સેવા, નિદાન કેમ્પો, સંસ્કાર સિંચનના કાર્યક્રમો જેવી અનેક વિધ લોકકલ્યાણકારી કામગીરી કરે છે. આ સંસ્થાના ગાદીપતિ પ્રણામી ધર્માચાર્ય 108 કૃષ્ણમણિ મહારાજનો 59મો જન્મદિન તા.1 જાન્યુઆરીના રોજ પ્રણામી ધર્મના અનુયાયી સુંદરસાથ દ્વારા ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે.
તા.1 જાન્યુઆરીના રોજ સવારે 8:00 થી 11:00 દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ગુરુ વંદના, વાણી ગાયન, જન્મદિનની વધાઈ અને ભારત ભરમાંથી પધારેલા સંતો, વરિષ્ઠ અનુયાયીઓ, વરિષ્ઠ કર્મચારી અને ટ્રસ્ટી મંદિર તરફથી શુભકામના પ્રદાન કરવા જેવાં વિવિધ કાર્યક્રમો રહેશે. આચાર્યનો જન્મદિન ભારતીય સંસ્કૃતિના અનુરૂપ પૂર્ણભક્તિભાવ અને સમાદર પૂર્વક દેશ-વિદેશથી પધારેલા સુંદરસાથની ઉપસ્થિતિમાં ઊજવવામાં આવશે. પૂજ્યપાદ આચાર્યના આશીર્વચનથી કાર્યક્રમની પૂર્ણાહુતિ થશે. તા. 1 જાન્યુઆરીના સવારે 9:00 થી 1:00 દરમિયાન રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ભક્તજનોને રકતદાન કરી ઉજવણી સાર્થક કરવા અનુરોધ કરાયો છે.