યાત્રાધામ દ્વારકા નજીક આવેલ નાગેશ્વર જ્યોતિર્લિંગના માર્ગ પર ગઈકાલે શુક્રવારે સવારે આશરે દસેક વાગ્યાના અરસામાં કારના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા અકસ્માત થયો હતો. જેના કારણે કારમાં સવાર યાત્રિકોને ઈજાઓ થવા પામી હતી.
દ્વારકાથી આશરે 15 કિલોમીટર દૂર નાગેશ્વર જ્યોતિર્લિંગ તરફ જતા માર્ગે ગઈકાલે સવારે એક હોન્ડા એક્સેસ કારના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કાર પલટી ખાઈને રોડ નીચે ઉતરી ગઈ હતી. આ કારમાં જઈ રહેલા બે યુવાનો, બે મહિલાઓ તથા બે બાળકો ઇજાગ્રસ્ત થયા હતા. આ બનાવની જાણ થતા આસપાસ ખેતરોમાં કામ કરતા લોકો દોડી આવ્યા હતા અને મહામુસીબતે કારના દરવાજા ખોલી અંદર બેઠેલા યાત્રીકોને બહાર કાઢ્યા હતા. આ બનાવો અંગે ઈમરજન્સી 108નો સંપર્ક કરાયો હતો. 108 એમ્બ્યુલન્સના પાયલોટ રોહીત કામરીયા તથા ઇએમટી મહેશ ભાલીયા તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી હતી અને કારની અંદર બેઠેલા યાત્રિકોને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે દ્વારકાના સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા.