ભાણવડ નગરપાલિકામાં વોર્ડ નંબર-2 અને 6 માં આમ આદમી પાર્ટીના તમામ ફોર્મ રદ્દ થતા ભાજપાના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. જેને લઇ આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા છે. અને આ અંગે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લા તથા જામનગરમાં નગરપાલિકાની સામાન્ય ચૂંટણીને લઇ રાજકીય પક્ષોમાં ધમધમાટ ચાલી રહ્યો છે. ઉમેદવારો દ્વારા ફોર્મ પાછા ખેંચાયા બાદ ચુંટણીપંચ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરાઇ છે. જેમાં ભાણવડ નગરપાલિકાની છ વોર્ડની કુલ 24 બેઠકો માટેની ચૂંટણી જાહેર થઈ હતી. જે માટે 58 ઉમેદવારીપત્રો ભરાયા હતાં. જેમાં 30 ભાજપાના, 18 કોંગે્રસના, આઠ આમ આદમી પાર્ટીના અને બે અપક્ષ ઉમેદવારોનો સમાવેશ થાય છે. જેમાં ઉમેદવારી પત્રની ચકાસણી દરમિયાન આપના વોર્ડ નંબર-2 અને 6 ના ચાર – ચાર સહિત કુલ આઠેય ઉમેદવારોના ફોર્મ રદ્દ થતા આ બંને વોર્ડમાં ભાજપા બિનહરીફ જાહેર થયું છે. હવે બાકીના ચાર વોર્ડમાં મતદાનની પ્રક્રિયા થશે.
ભાણવડના વોર્ડ નંબર-2 અને 6 માં આમ આદમી પાર્ટીના તમામ ઉમેદવારોના ફોર્મ રદ્દ થઈ ભાજપા બિનહરીફ જાહેર થતા આમ આદમી પાર્ટીના ઉમેદવારો હાઈકોર્ટમાં પહોંચ્યા અને આ સમગ્ર મામલે હાઈકોર્ટમાં ફરિયાદ કરી છે.