જામનગર શહેરના શંકરટેકરી વિસ્તારમાં રહેતા યુવાનને ત્રણ શખ્સોએ આંતરીને તારા ભાઈનો પાવર વધતો જાય છે તેમ કહી છરી અને લોખંડના પાઈપ તથા લાકડાના ધોકા વડે જીવલેણ હુમલો કર્યાના બનાવમાં પોલીસે હત્યાના પ્રયાસ સહિતનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં શંકરટેકરી વિસ્તારમાં રહેતા અને છૂટક મજૂરી કામ કરતા હેમત ઉર્ફે રઘુ પ્રવિણભાઈ વરાણિયા (ઉ.વ.30) નામના યુવાનને દિવાળીની સાંજના સમયે નીતીન, ગુડુ અને અજાણ્યા સહિતના ત્રણ શખ્સોએ આંતરીને ‘તારા ભાઈ રાહુલનો પાવર બહુ વધતો જાય છે’ તેમ કહી છરી, લોખંડના પાઇપ અને લાકડાના ધોકા વડે જીવલેણ હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી. ત્રણ શખ્સો દ્વારા કરાયેલા હુમલામાં ઘવાયેલા હેમંતને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણ થતા પીએસઆઈ વી.આર.ગામેતી તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ ઘવાયેલા હેમંતના નિવેદનના આધારે ત્રણ શખ્સો વિરૂધ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધી હુમલાખોરોની શોધખોળ હાથ ધરી હતી.