છેલ્લાં થોડા સમયથી જામનગર સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાના કિસ્સાઓ વધતા જઈ રહ્યા છે. ખાસ કરીને નાની વયના લોકોમાં આર્ટહેટેકનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે જામનગરમાં આવો વધુ એક કિસ્સો સામે આવતા ભયનો માહોલ છવાયો છે જામનગર શહેરમાં પટેલ પાર્ક વિસ્તારમાં 19 વર્ષિય યુવકનું ગરબાની પ્રેકટીસ કરતી વખતે હૃદયરોગના હુમલાથી મૃત્યુ નિપજતા પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પોલીસ દ્વારા મૃતદેહને પીએમ માટે ખસેડાયો હતો. બનાવના પગલે જી. જી. હોસ્પિટલ ખાતે મૃતક યુવાનના પરિવારજનો તેમજ દાંડિયા રાસની પ્રેકટીસ કરતા ખેલૈયાઓ સહિતના લોકો દોડી ગયા હતાં.
જામનગર શહેર અને જિલ્લા સહિત રાજ્યભરમાં છેલ્લાં કેટલાંક સમયથી નાની વયના ખાસ કરીને યુવાન લોકોમાં હૃદયરોગના હુમલાના બનાવો વધી રહ્યા છે. જેને પરિણામે લોકોમાં ભય અને ઉચાટની લાગણી જોવા મળી રહી છે. હાલના સમયમાં છાશવારે બનતા આવા બનાવોથી લોકોમાં સ્વાસ્થ્યની ચિંતા જોવા મળી રહી છે. આવો જ એક કિસ્સો જામનગર શહેરમાં સામે આવ્યો છે. જામનગર શહેરમાં નવરાત્રિના તહેવાર નજીક આવી રહ્યા હોય, યુવાધન નવરાત્રિના ગરબાની પ્રેકટીસની તૈયારીમાં લાગ્યું છે ત્યારે જામનગરમાં 19 વર્ષિય યુવાનનું ગરબાની પ્રેકટીસ દરમિયાન હૃદયરોગના હુમલાને કારણે મૃત્યુ નિપજતા શહેરમાં ગરબા ખેલૈયાઓમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
જામનગર શહેરના પટેલ પાર્ક વિસ્તારમાં આવેલ એક ગરબા કલાસમાં ગઈકાલે સોમવારે રાત્રિના સમયે યુવકો નવરાત્રિના ગરબાની પ્રેકટીસ કરી રહ્યા હતાં. આ દરમિયાન 19 વર્ષિય વિનિત મેહુલભાઈ કુંવરીયા નામનો યુવાન ગરબાની પ્રેકટીસ કરતા સમયે જમીન પર ઢળી પડતા ગરબા કલાસમા દોડધામ મચી ગઈ હતી. યુવાનને બેભાન હાલતમાં હોસ્પિટલ ખસેડાયો હતો. જયાં તેનું મૃત્યુ નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું પોલીસ દ્વારા મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ થતા જી. જી. હોસ્પિટલ ખાતે મૃતક યુવાનના પરિવારજનો તેમજ યુવાનની સાથે પ્રેકટીસ કરી રહેલા ખેલૈયાઓ તથા ગરબા કલાસના સંચાલકો પણ દોડી ગયા હતાં. આ બનાવને પરિણામે ખેલૈયાઓ અને યુવાનના પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ હતી.