ખંભાળિયામાં રહેતા એક કર્મકાંડી યુવાનના મામા અહીં આવ્યા હતા તેમને નાયરોબી પરત મૂકવા જતી વખતે અમદાવાદના એરપોર્ટ પર મૂકીને પરત ફરતા તેમની કાર સાથે ટ્રકની થયેલી જીવલેણ ટક્કરમાં કારમાં સવાર બે મુસાફરોના કરુણ મૃત્યુ નીપજ્યા હતા. જ્યારે અન્ય બે ને ઇજાગ્રસ્ત હાલતમાં અમદાવાદ ખસેડવામાં આવ્યા છે.
આ કરૂણ બનાવની વિગત એવી છે કે, ખંભાળિયામાં જડેશ્ર્વર સોસાયટી વિસ્તારમાં રહેતા અને કર્મકાંડનું કામ કરતા હિતેશભાઈ વિજયભાઈ જોશી નામના 32 વર્ષના યુવાનના મામા નાયરોબીથી થોડા દિવસ પૂર્વે રાત્રે આવ્યા હતા. ગઈકાલે તેઓને નાયરોબી પરત જવા માટેની અમદાવાદ ખાતેથી ફ્લાઇટ હોય હિતેશભાઈ જોશી એક અર્ટિગા મોટર કારમાં ચાલક કુંજન શુક્લને સાથે લઈને તેમને મૂકવા ગયા હતા. મંગળવારે વહેલી સવારના આશરે ચારેક વાગ્યે હિતેશભાઈ તેમના મામાને એરપોર્ટ પર મૂકીને ખંભાળિયા તરફ ફરી રહ્યા હતા, ત્યારે ખંભાળિયાના એક સોની પરિવારની પુત્રી રમાબેન (ઉ.વ. 50) તથા તેમના પતિ હિતેશભાઈ સોની (ઉ.વ. 55) તેઓને અર્ટિગા કારમાં સાથે પરત આવતા હતા. ત્યારે અમદાવાદ નજીક બગોદરા પાસેથી રાજસ્થાન પાસીંગ વાળા એક ટ્રકના ચાલકે એકાએક બ્રેક મારતા પણ અર્ટિગા કારના ચાલક કુંજન શુક્લએ કાર પરનો કાબુ ગુમાવી દીધો હતો અને આ કાર ધડાકાભેર ટ્રક સાથે અથડાઈ પડી હતી. આ ભયંકર અકસ્માતમાં મોટરકારનો બુકડો બોલી ગયો હતો અને ડ્રાઇવર સીટની બાજુમાં બેઠેલા હિતેશભાઈ જોષી તેમજ દુબઈના રહેવાસી હિતેશભાઈ સોનીને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ થતા લોહી લોહાણ હાલતમાં બંનેના મૃત્યુ નીપજ્યા હતા.
જ્યારે કારના ચાલક કુંજન શુક્લ તથા ખંભાળિયાના સોની પરિવારની પુત્રી કે જે દુબઈથી ખંભાળિયા માટે આવેલા હતા તે રમાબેનને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઇજાઓ સાથે વધુ સારવાર અર્થે અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
હિતેશભાઈ જોશી મૂળ ભણગોર ગામના વતની હતા અને તેઓ મિલનસાર સ્વભાવના અને કર્મકાંડનો વ્યવસાય હતા. આજરોજ સવારે તેમની અંતિમયાત્રામાં રાજ્ય પુરોહિત બ્રાહ્મણ જ્ઞાતિના લોકો તેમજ પરિચિતો મોટી સંખ્યામાં જોડાયા હતા. મામાને એરપોર્ટ પર મુકવા ગયેલા ભાણેજ જીવલેણ અકસ્માતનો ભોગ બનતા બ્રહ્મ સમાજમાં ભારે ગમગીની પ્રસરી જવા પામી છે. ત્યારે ખંભાળિયાની સોની પરિવારની દીકરી અકસ્માતમાં ઈજાગ્રસ્ત બનીને જમાઈ અકાળે અવસાન પામતા સોની સમાજમાં પણ ભારે શોકની લાગણી પ્રસરી જવા પામી છે.