જામનગરની યુવતી સાથે ધરાર લગ્ન કરવા માટે રાજકોટના યુવાને યુવતી પર છરીના ઘા ઝીંકી જીવલેણ હુમલો કરતા યુવતીને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. યુવતીએ યુવક સાથે લગ્ન કરવાની ના પાડતા ઉશ્કેરાયેલા યુવાને ગઈકાલે આ હુમલો કર્યો હોવાનું બહાર આવ્યું છે.
આ અંગેની વિગત મુજબ, જામનગરની મહિલા કોલેજમાં અભ્યાસ કરતી મિતાલી પરમાર નામની કોલેજીયન યુવતી શુક્રવારે સાંજે મહિલા કોલેજ રોડ પરથી પસાર થઈ રહી હતી જે દરમિયાન કોઈ રાજકોટમાં રહેતા તુષાર રાઠોડ નામના યુવાને આવી તેણીના ગળાના ભાગે તેમજ પેટના ભાગમાં છરીના ત્રણ ઘા ઝીંકી દીધા હતા. તેથી તેણી લોહી લુહાણ થઈ હતી. ત્યાં એકત્ર થયેલા લોકોએ તાત્કાલિક અસરથી ઇજાગ્રસ્ત યુવતિને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં પહોંચાડી હતી જ્યાં તેણીની સઘન સારવાર ચાલી રહી છે.
આ બનાવને લઈને મહિલા કોલેજ રોડ પર ભારે દોડધામ થઈ હતી. આ બનાવ પછી સીટી બી ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે તેમજ જી.જી. હોસ્પિટલે દોડી ગયો હતો જ્યાં યુવતીના પિતા જીતેન્દ્રભાઇ જેન્તીભાઈ મકવાણાની ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. ફરિયાદમાં જણાવાયા અનુસાર રાજકોટના યુવક તુષાર રાઠોડ મિતાલી પર અવારનવાર લગ્ન કરવાનું દબાણ કરતો હતો. દરમિયાન ગઈકાલે પણ તેણે મિતાલીને તેની સાથે લગ્ન કરી લેવાનું કહ્યું હતું. પરંતુ તેણીએ લગ્ન કરવાની ના પાડતા ઉશ્કેરાયેલા યુવકે પોતાની પાસે રહેલી છરી વડે તેણી પર ઉપરાછાપરી ત્રણ ઘા ઝીંકી દઇ જીવલેણ હુમલો કર્યો હતો.