જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં છેલ્લાં એક સપ્તાહથી ભારેથી અતિભારે વરસાદ વરસ્યો હતો અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં 25-25 ઈંચ જેટલો ભારે વરસાદ વરસ્યો છે. કાલાવડ તાલુકાના મોટી ભગેડી ગામના પુલ પરથી એક ટ્રક પસાર થતો હતો તે દરમિયાન પુલ ધરાશાયી થતાં ટ્રક નદીમાં ખાબકયો હતો. જો કે, સદનસીબે ડ્રાઈવરનો બચાવ થયો હતો.
આ અંગેની વિગત મુજબ, કાલાવડ અને ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લાં એક સપ્તાહ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ વરસ્યો હતો. જેના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં અનેક રસ્તા અને પુલોનો હાલત બિસ્માર થઈ ગઇ હતી. કાલાવડ તાલુકાનો ભોટી ભગેડી ગામનો પુલ પણ ઘણાં સમયથી બિસ્માર બની ગયો હતો અને પુલ પરથી 10 ગામના લોકો પસાર થતા હોય જેથી અવાર-નવાર આ પુલ સંદર્ભે તંત્રને રજૂઆત કરવામાં આવી હતી તેમ છતાં અધિકારીઓએ બેદરકારી દાખવી ધ્યાન આપ્યું ન હતું અને પુલની મરામત કરાવી ન હતી. આજે સવારે આ પુલ પરથી એક ટ્રક પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન એકાએક પુલ ધરાશાયી થવાથી ટ્રક પુલ પરથી નીચે નદીમાં ખાબકયો હતો. જોકે ડ્રાઈવરની સુઝબુઝને કારણે તેનો આબાદ બચાવ થયો હતો.
ભગેડીનો આ પુલ ધરાશાયી થવાથી 10 ગામો તરફ જવાનો રસ્તો બંધ થઈ ગયો છે તેના કારણે અસંખ્ય લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે. કાલાવડથી લલોઇ, મોરવાડી, બોડી, દાવલી સહિતના ગામો માટેનો આ મુખ્ય રસ્તો બંધ થઈ જવાથી ગ્રામજનો મુશ્કેલીમાં મૂકાઇ ગયા છે. તંત્રની બેદરકારીને કારણે અવાર-નવાર ગ્રામજનોને તકલીફો સહન કરવી પડે છે.