સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર માત્ર 99 રૂપિયામાં શર્ટ-પેન્ટ-ટીશર્ટ એવી કોઇપણ એક વસ્તુના સેલની જાહેરાતથી જામનગર શહેરમાં બે કલાક સુધી ટ્રાફિક જામ અને અફડા-તફડી જેવો માહોલ સર્જાતા પોલીસે દુકાન બંધ કરાવી કાર્યવાહી હાથ ધરી હતી.
જામનગર શહેરમાં ત્રણબતી વિસ્તારમાં આવેલા દુકાનદાર દ્વારા સોશિયલ મીડિયામાં તા.28 જૂન 2024 ના રાત્રિના 9 વાગ્યાથી 10:30 વાગ્યા સુધીના દોઢ કલાકના સમય દરમિયાન માત્ર 99 રૂપિયામાં શર્ટ-પેન્ટ-ટીશર્ટ એવી કોઇપણ એક વસ્તુનું સેલ રાખવામાં આવ્યું હોવાની સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર ઈન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં જાહેરાત કરી હતી. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ વીડિયોના કારણે સેલના સમય પહેલાંની જ એક કલાક પૂર્વે આ વિસ્તારોમાં હજારો લોકો ઉમટી પડયા હતાં અને ટ્રાફિકથી ધમધમતા શહેરના મુખ્ય માર્ગ પર ટ્રાફિક જામની સાથે અફડાતફડી જેવો માહોલ સર્જાઈ ગયો હતો. દુકાનમાં ગ્રાહકોનો એટલો બધો ઘસારો થઈ ગયો હતો કે લોકો બહાર જવાનું નામ જ લેતા ન હતાં. જેથી આખરે પોલીસની મદદ લેવામાં આવી હતી અને પોલીસે તાત્કાલિક દુકાન બંધ કરાવી દીધી હતી. જો કે દુકાન બંધ કરાવ્યા બાદ પણ એક કલાક સુધી ટ્રાફિક જામની સ્થિતિ રહી હોવાનું જાણવા મળ્યું હતું.