Tuesday, July 15, 2025
Homeરાજ્યહાલારખંભાળિયા નજીક ગેરકાયદેસર થતી ખનિજ ચોરી સ્થળે દરોડો

ખંભાળિયા નજીક ગેરકાયદેસર થતી ખનિજ ચોરી સ્થળે દરોડો

એક હિટાચી, પાંચ ડમ્પર સહિત 70 લાખનો મુદામાલ કબજે : ખનિજ ચોરો નાશી ગયા

ખંભાળિયા પંથકમાં અનધિકૃત રીતે થતી ખનીજ ચોરી સામે સ્થાનિક તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત સોમવારે અહીંના પ્રાંત અધિકારી તેમજ તેમની ટીમ દ્વારા અહીંના દ્વારકા હાઈવે પર ગેરકાયદેસર રીતે થતી મોરમ ચોરીમાં કુલ રૂ. 70 લાખ જેટલી કિંમતના વાહનો- મુદ્દામાલ કબજે કરવામાં આવ્યા છે.

- Advertisement -

આ અંગે જાણવા મળતી વિગત મુજબ ખંભાળિયા – દ્વારકા માર્ગ પર કોઈ તત્વો દ્વારા સરકારી જમીનમાંથી ખનીજ (મોરમ)ની ચોરી થતી હોવા અંગેની માહિતી અહીંના પ્રાંત અધિકારી કે.કે. કરમટાને મળતા તેમના દ્વારા સ્થાનિક સ્ટાફને સાથે રાખીને દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં દ્વારકા માર્ગ પરના વડત્રા ગામ પાસેના ઢાંઢાવાળા તળાવ પાસેથી હિટાચી વાહનની મદદથી ડમ્પર મારફતે ખનીજ (મોરમ) ચોરી થતી હોવાનું ખુલવા પામ્યું હતું.

આ કાર્યવાહીમાં ઉપરોક્ત સ્થળેથી એક હિટાચી તેમજ પાંચ ડમ્પર મળી આવ્યા હતા. જો કે ખનીજ ચોરો નાસી છૂટવામાં સફળ થયા હતા. આ સમગ્ર બાબત અંગે પ્રાંત અધિકારી કે.કે. કરમટા દ્વારા જરૂરી કાર્યવાહી કરી અને અહીંના ભૂસ્તર વિભાગને વધુ તપાસ તેમજ કામગીરી અર્થે મુદ્દામાલ તેમજ રિપોર્ટ સુપ્રત કરાયો છે. ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહમાં પણ અહીંના મામલતદાર તથા તેમની ટીમ દ્વારા ખંભાળિયા તાલુકાના કંડોરણા ગામેથી મોરમ ચોરીમાં જે.સી.બી., ટ્રેક્ટર સહિતનો રૂ. 18 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ પછી ગઈકાલે વધુ એક કાર્યવાહીમાં એસ.ડી.એમ. તથા ટીમ દ્વારા આશરે રૂપિયા પોણો કરોડ જેટલો મુદ્દામાલ કબજે લેવામાં આવતા ખનીજ ચોરી કરતા તત્વોમાં ફફડાટ સાથે દોડધામ મચી જવા પામી છે.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular