જામનગરમાં આજરોજ દાઉદી વ્હોરા સમાજ દ્વારા ઈદે મિલાદની ઉજવણી કરવામાં આવી હતી. હઝરત પયગંબર સાહેબ મહંમદ રસુલુલ્લાહ (સ.અ.વ.)ના મિલાદના અવસર નિમિત્તે જામનગર દાઉદી વ્હોરા મોટી જમાત દ્વારા આજરોજ જામનગર શહેરમાં જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું. જે સવારે 7:30 વાગ્યે તનબતી મહમદીબાદ મસ્જિદથી પ્રારંભ થઈ બેડી ગેઈટ, કે.વી. રોડ, નાગનાથ ગેઈટ, સ્મશાન ચોકડી સહિતના રાજમાર્ગો પર થઈ વ્હોરાના હજીરા ખાતે પૂર્ણ થયું હતું. જેમાં વ્હોરા સમાજના તેમજ સ્કાઉટના બેન્ડ તથા વ્હોરા સમુદાયના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. આ તકે દાઉદી વ્હોરા જમાતના પ્રેસિડેન્ટ મુસ્તાઅલીભાઇ, તાહેરી મહોલ્લા આમીલસાહેબ, શેખ તાહેરભાઈ નાદીર તેમજ અબ્દુલ તૈયબભાઈ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.