Thursday, January 16, 2025
Homeરાજ્યજામનગરVideo : ફલ્લામાં ધોળે દિવસે ગ્રામિણ બેંકમાં ખેલાયો ખૂની ખેલ

Video : ફલ્લામાં ધોળે દિવસે ગ્રામિણ બેંકમાં ખેલાયો ખૂની ખેલ

પુત્રવધૂની છેડતી સંદર્ભે સમજાવવા જતાં પ્રૌઢ સસરાની નિર્મમ હત્યા : પતિ ઉપર જીવલેણ હુમલો : સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકમાં ધોકા અને છરી વડે પિતા-પુત્ર ઉપર સશસ્ત્ર હુમલો : ઘવાયેલા પતિની હાલત ગંભીર : પોલીસ દ્વારા ત્રણ શખ્સો વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધી શોધખોળ

- Advertisement -

જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લાં ઘણાં સમયથી હત્યાના અને જીવલેણ હુમલાના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. તેમજ જિલ્લામાં ઘરફોડ ચોરી, લૂંટ, છેતરપિંડી, છેડતી જેવા ગુનાઓને બેખોફ રીતે ગુનેગારો અંજામ આપી રહ્યા છે ત્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કેટલી મજબુત છે તે દર્શાવે છે. દરમિયાન મંગળવારે રાજ્યના પોલીસવડા જામનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા માટેની બેઠક લેતા હતાં તે સમયે જામનગર તાલુકાના ફલ્લા ગામમાં બપોરે એકાદ વાગ્યાના અરસામાં સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકમાં ખુની ખેલ ખેલાયો હતો. જેમાં મહિલાની છેડતી સંદર્ભે સમજાવવા ગયેલા પતિ અને સસરા ઉપર ત્રણ શખ્સોએ જીવલેણ હુમલો કરતા મહિલાના સસરાનું મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો. જ્યારે પતિને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.

- Advertisement -

ગુજરાત રાજ્યના પોલીસવડા વિકાસ સહાય મંગળવારે જામનગર આવ્યા હતાં. તેમની આ મુલાકાત દરમિયાન રેંજ આઈજી અશોકકુમાર યાદવ અને પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ તથા અધિકારીઓ સાથે બેઠક યોજી કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. દરમિયાન જામનગર જિલ્લામાં છેલ્લાં ઘણાં સમયથી ગંભીર ગુનાઓનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી ગયું છે. હત્યા, હત્યાના પ્રયાસ, દુષ્કર્મ, છેડતી, ચોરી, છેતરપિંડી ઉપરાંત નશીલા પદાર્થોની હેરાફેરીના બનાવો વધ્યા છે અને મંગળવારે બપોરના સમયે જામનગર શહેરમાં રાજ્યના પોલીસવડાની પોલીસ અધિકારીઓ સાથે કાયદો અને વ્યવસ્થા જાળવવાની અગત્યની બેઠક ચાલુ હતી તે સમયગાળા દરમિયાન જ જામનગર તાલુકાના ફલ્લા ગામમાં ધોળે દિવસે સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકમાં હંગામી કર્મચારી તરીકે ફરજ બજાવતા ધ્રોલ તાલુકાના ખેંગારકા ગામના અંકિતાબેન ઘેટિયા નામની મહિલા કર્મચારીની ફલ્લા ગામમાં રહેતો અને આ જ બેંકમાં હંગામી કર્મચારી તરીકે નોકરી કરતો ધવલ શાંતિલાલ મોરડીયા નામનો શખ્સ મહિલાની અનેક વખત ઠઠ્ઠામશ્કરી કરતો હતો. અવાર-નવાર ધવલ દ્વારા મશ્કરીના બહાને અપાતા ત્રાસ અંગે મહિલાએ તેણીના પતિ અને સસરાને વિગતો જણાવી હતી.

- Advertisement -

દરમિયાન મંગળવારે બપોરના સમયે મહિલાના પતિ મિલનભાઈ અને સસરા ગોવિંદભાઈ ઘેટિયા સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકમાં ધવલ મોરડીયા નામના શખ્સને સમજાવવા ગયા હતાં તે દરમિયાન ધવલ મોરડીયા નામના શખ્સે તેના ભાઈ ચિરાગ ઉર્ફે ભોલો મોરડીયા અને જીતેન્દ્ર મોરડીયા સહિતના ત્રણેય ભાઈઓએ એક સંપ કરી લાકડાના ધોકા અને છરી વડે આડેધડ ઘા મારી જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં ગોવિંદભાઈ ઓધવજીભાઈ ઘેટીયા (ઉ.વ.55) નામના પ્રૌઢને ગંભીર ઈજા પહોંચી હતી. જ્યારે મહિલાને પતિ મિલનભાઈ ઉપર લાકડાના ધોકા અને છરી વડે હુમલો કરી માથામાં તથા મોઢાના ભાગે તેમજ નાક ઉપર ઘા મારી નાક કાપી નાખ્યું હતું. બેંકમાં ધોળે દિવસે પિતા-પુત્ર ઉપર થયેલા જીવલેણ હુમલાના કારણે નાશભાગ મચી ગઈ હતી અને બેંકના કમ્પાઉન્ડમાં જ ગોવિંદભાઈ ઓધવજીભાઈ ઘેટીયાનું ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું. જ્યારે મિલનભાઈને ગંભીર ઈજા પહોંચી હતી.

ત્યારબાદ ગંભીર રીતે ઘવાયેલા મિલનભાઈ ગોવિંદભાઈ ઘેટીયા નામના યુવાનને 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં તેમજ બેંકના કમ્પાઉન્ડમાં જ જીવલેણ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા ગોવિંદભાઈ ઘેટીયા નામના પ્રૌઢનું મોત નિપજતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો. આ બનાવ અંગેની મૃતકના પુત્ર અંકિત દ્વારા જાણ કરાતા ડીવાયએસપી ડી.પી.વાઘેલા, પીએસઆઈ જે.પી. સોઢા તથા સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સ્થળ પરથી મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી પોલીસે અંકિતના નિવેદનના આધારે મહિલાની છેડતી કરનાર ધવલ મોરડીયા, ચિરાગ ઉર્ફે ભોલો મોરડીયા અને જીતેન્દ્ર મોરડીયા નામના ત્રણ શખ્સો વિરૂધ્ધ હત્યા અને હત્યાનો પ્રયાસનો ગુનો નોંધી હત્યારાઓની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular