દેવભૂમિ દ્વારકા જિલ્લા એસ.ઓ.જી. પોલીસે ગતરાત્રે પેટ્રોલિંગ દરમિયાન ખંભાળિયા તાલુકાના સલાયા ગામના શખ્સને મુંબઈથી પ્રતિબંધિત માદક પદાર્થ સલાયા લાવી અને વેચાણ કરતા ઝડપી લીધો હતો. આ શખ્સ પાસેથી પોલીસે 4.190 કિલો ગાંજો કબજે લીધો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ ચાલી રહેલી વિધાનસભાની ચૂંટણી અંગેની કામગીરી દરમિયાન એસ.ઓ.જી. પોલીસ સ્ટાફ દ્વારા જુદા જુદા વિસ્તારમાં પેટ્રોલિંગ કામગીરી કરવામાં આવી રહી છે. આ અંતર્ગત ખંભાળિયા તાલુકાના સલાયા પંથકમાં ગતરાત્રે એસ.ઓ.જી. વિભાગના ઇન્ચાર્જ પી.આઈ. પી.સી. સીંગરખીયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી રહેલી કામગીરી અંતર્ગત એ.એસ.આઈ. રાજભા જાડેજા તથા કરણભાઈ સોંદરવાને મળેલી ચોક્કસ બાતમીના આધારે સલાયાના હુસેની ચોક વિસ્તારમાં રહેતા અને માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા મહમદમિયા જાવીદમિયાં ઈબ્રાહીમમિયા કાદરી નામના 24 વર્ષના મુસ્લિમ સૈયદ શખ્સના રહેણાંક મકાનના છુપાવીને રાખવામાં આવેલો 4 કિલો 190 ગ્રામ માદક પદાર્થ ગાંજાનો જથ્થો કબજે કર્યો હતો.
આરોપી શખ્સ ગાંજાનો આ જથ્થો મહારાષ્ટ્રથી અહીં લાવીને છૂટક વેચાણ કરતો હોવાનું ખુલવા પામ્યું છે. આ પ્રકરણમાં પોલીસે કુલ રૂપિયા 41,900 ની કિંમતનો માદક પદાર્થ ગાંજો કબજે લઈ, ઉપરોક્ત શખ્સની અટકાયત કરી, તેની સામે સલાયા મરીન પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો.
આ સમગ્ર કાર્યવાહી સી.પી.આઈ. ટી.સી. પટેલ, ઇન્ચાર્જ પી.આઈ. પી.સી. સીંગરખીયા, મહંમદભાઈ બ્લોચ, હરદેવસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ જાડેજા, ઈરફાનભાઈ ખીરા, હરપાલસિંહ જાડેજા, ભીખાભાઈ ગાગીયા, લખમણભાઈ આંબલીયા, વિગેરે દ્વારા કરવામાં આવી હતી.