જામજોધપુર ગામમાં આવેલી તીરૂપતિ સોસાયટીમાં તબીબના મકાને સ્લેબનું કામ ચાલુ હતું ત્યારે સીડીએથી ઉતરતા સમયે પ્રૌઢનું નીચે પટકાતા પથ્થરમાં માથુ અથડાવથી મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ, જામજોધપુર ગામમાં કૈલાશનગર વિસ્તારમાં રહેતાં ગોપાલભાઈ નરભેરામ ચૌહાણ (ઉ.વ.52) નામના પ્રૌઢ ગત તા.30 ના રોજ બપોરના સમયે તીરૂપતિ સોસાયટીમાં ડો. સિણોજિયાનું નવા મકાનનું બાંધકામ ચાલુ હતું અને તે દરમિયાન સ્લેબ બીડવાનું કામ કરતા ગોપાલભાઈ અકસ્માતે સીડીઓ પરથી લપસી જતા સીડી સાથે નીચે પટકાયા હતાં. નીચે પટકાતા માથુ પથ્થરમાં અથડાતા ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. બનાવ અંગેની મૃતકના પુત્ર નિતેશભાઈ દ્વારા જાણ કરાતા હેકો એસ.આર. પરમાર તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.