જામનગર શહેરમાં છેલ્લાં 10 દિવસથી ગણેશ મહોત્સવની ઉજવણી થઈ રહી હતી. આજરોજ 10મા દિવસથી ‘ગણપતિ બાપ્પા મોરીયા’ અને ‘અગલે બરસ તુ જલ્દી આ’ સહિતના નાદ સાથે ગણપતિજીને ભાવભેર વિદાય આપવામાં આવી હતી. જામ્યુકો દ્વારા નિર્મિત્ત વિર્સજન કુંડમાં ગજાનંદને વિદાય આપવામાં આવી હતી.
વિઘ્નહર્તા ગણેશજીની જામનગર શહેરમાં સ્થાપના કરવામાં આવી હતી. શેર-ગલ્લીઓ તથા અનેક ઘરોમાં તથા પંડાલોમાં છેલ્લાં 10 દિવસથી ભક્તિભાવપૂર્વક ગણપતિજીની સ્થાપના કરી પૂજા-અર્ચના કરવામાં આવી રહી હતી. જામનગર શહેરમાં અંદાજિત 300 થી 400 જેટલા પંડાલો તેમજ 4000 થી વધુ ઘરોમાં વિઘ્નહર્તાની સ્થાપના કરવામાં આવી હતી. કેટલાંક લોકોએ 1-3-5-7-9 દિવસોએ ગણપતિજીનું વિસર્જન કર્યુ હતું. જ્યારે આજે 10 મા દિવસે મોટાભાગના બાકી રહેલા લોકોએ ગણપતિજીનું વિસર્જન કર્યુ હતું.
જામનગર મહાનગરપાલિકા દ્વારા હાપા શોરૂમની સામે તથા રણજીતસાગર રોડ બાયપાસ ચોકડી પાસે કૃત્રિમ વિસર્જન કુંડ તૈયાર કરવામાં આવ્યા હતાં. જ્યાં લોકોએ મૂર્તિનું વિસર્જન કર્યુ હતું. અહીં જામ્યુકો દ્વારા ગજાનંદની મોટી પ્રતિમા માટે ક્રેઈનની વ્યવસ્થા પણ રાખવામાં આવી હતી. આ ઉપરાંત ગણપતિ વિસર્જન માટે આવતા લોકો માટે લાઈટીંગ, પીવાનું પાણી, ચુસ્ત સિકયોરિટી તથા વિસર્જન પૂર્વે આરતી અને પૂજા માટે ટેબલ તથા મંડપની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં જામ્યુકો દ્વારા નિર્મિત્ત કૃત્રિમ કુંડમાં 1600 જેટલી પ્રતિમાઓનું વિસર્જન થયું છે.
આજે ગણેશ મહોત્સવના અંતિમ દિવસે પંડાલો અને ઘરોથી નિકળનારી વિસર્જન શોભાયાત્રામાં ટ્રેક્ટર, ટેમ્પો સહિતના વાહનોમાં લોકો જોડાયા હતાં. વાહનોમાં ડીજે સાથે રાજમાર્ગો પર અબીલ ગુલાલની છોળો વચ્ચે ‘અગલે બરસ તુ જલ્દી આ’ ના નાદ સાથે વિઘ્નહર્તાને ભાવભેર વિદાય આપવામાં આવી હતી.