જામનગર શહેરના રણજીતનગર વિસ્તારમાં રહેતી યુવતી ગાંધીનગર ખાતે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી દરમિયાન હૃદયરોગના હુમલાથી મોત નિપજતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
દેશભરમાં છેલ્લાં થોડા સમયથી બાળકોથી લઇ યુવાનો સુધીના વ્યક્તિઓમાં હૃદયરોગના હુમલાઓને કારણે મોત નિપજવાની ઘટનાઓ સતત ચિંતાજનક રીતે વધતી જાય છે. 10 વર્ષના બાળકથી લઇ 40 વર્ષ સુધીના યુવાનોના હૃદયરોગના હુમલામાં ભોગ લેવાઈ રહ્યા છે. આ સ્થિતિમાં આકરો ઉનાળો પણ મહદઅંશે ભાગ ભજવે છે. ત્યારે જામનગર શહેરના રણજીતનગર જૂના હુડકામાં રહેતા સુરેશભાઈ પારીયાણીની પુત્રી જાહન્વી (ઉ.વ.23) નામની યુવતી સરકારી નોકરી માટે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતી હતી તે દરમિયાન મેદાન ઉપર જ હૃદયરોગનો હુમલો આવતા બેશુધ્ધ થઈ જવાથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાતા જ્યાં યુવતીનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની જાણ પરિવારમાં કરાતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.