જામનગરમાં આવેલ પંચેશ્વર ટાવર પાસે અજીતનાથ એપાર્ટમેન્ટની સામે ચંદ્રકાંત દુર્ગાશંકર ત્રિવેદીના રહેણાંક મકાનમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે.
મળતી વિગત અનુસાર અજીતનાથ એપાર્ટમેન્ટની સામે રહેતા ચંદ્રકાંત દુર્ગાશંકર ત્રિવેદી સાંજના સમયે ભગવાનને દીવાબત્તી કરીને બહાર ગયા હતા. ત્યારે પૂજાના રૂમમાં અચાનક આગ લાગી હતી. સ્થાનિકોને જાણ થતાં ઘરધણી અને ફાયર વિભાગને જાણ કરી હતી. આગ લાગવાની જાણ થતાની સાથે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. જોકે દિવાના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ઘરધણી ચંદ્રકાંત ત્રિવેદીના જણાવ્યા અનુસાર સાંજના સમયે દીવાબત્તી કરીને બહાર ગયા હતા ત્યારે પાછળથી આગ લાગી હતી. આગમાં પૂજાનો રૂમ બળીને ખાખ થયો હતો. આગમાં કોઈ જાન હાની થઈ ન હતી. ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લેતા મોટું નુકસાન થયું ન હતું.