જામનગર શહેરમાં લાલવાડી રોડ પર ત્રિમંદિર સામે આવેલ સોસાયટીમાં પંચામૃત જનરલ સ્ટોર નામની દુકાનમાં શનિવારે બપોરના સમયે મિટરમાં શોર્ટ-સર્કિટના કારણે આગ ભભૂકી ઉઠી હતી. આગના કારણે દુકાનમાં રહેલ ફ્રિઝ-પંખા સહિતનો માલસામાન બળીને ખાખ થઇ ગયો હતો. આગને પરિણામે વિસ્તારમાં દોડધામ મચી ગઇ હતી. બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે દોડી ગયા હતાં અને એક ગાડી પાણીનો મારો ચલાવી એક કલાકની જહેમત બાદ આગને કાબુમાં લેવાઇ હતી. સદ્નસિબે કોઇ જાનહાની થઇ ન હતી. આ બનાવના પગલે આ વિસ્તારમાં લોકોના ટોળા એકઠા થઇ ગયા હતાં.