જામનગરના દિગ્જામ મિલ નજીક લગ્ન પ્રસંગે બહાર ગામ ગયેલ પરિવારના ઘરમાં તસ્કરો ત્રાટકયાં હતા અને તાળુ તોડી કબાટની તિજોરીમાંથી રૂપિયા 12000ની રોકડ, સોનાના દાગીના સહિત કુલ રૂપિયા 55413નો માલ સામાન ચોરી કરી નાસી ગયા હતા. આ અંગે પોલીસે શોધખોળ હાથ ધરી છે.

બનાવની વિગત મુજબ જામનગરના દિગ્જામ મિલ આહિર સમાજની સામે યાદવ નગર બેડીબંદર રીંગ રોડમાં રહેતા ફરિયાદી અરશીભાઇ ડાડુભાઇ ડેર લગ્ન પ્રસંગમાં બહાર ગામ ગયા હોય આ દરમ્યાન ગત તા. 2 ફેબ્રુઆરીના રાત્રિના 8 વાગ્યાથી 3 ફેબ્રુઆરીના બપોરના 3 વાગ્યા સુધીમાં અજાણ્યા તસ્કરો ઘરના દરવાજાનું તાળું તોડી ઘરમાં પ્રવેશી કબાટનું લોક તોડી તિજોરીમાં રાખેલ રૂા. 12000ની રોકડ, રૂા. 18413ની 3 ગ્રામની સોનાની વીટી, રૂપિયા 20000ની કિંમતના નાના છોકરાના સોનાના ઓમકાર વાળા પેન્ડલ, રૂા. 5000ની કિંમતના ચાંદીના સાંકળા સહિત કુલ રૂપિયા 55413નો માલાસામાન ચોરી કરી નાસી ગયા હતા. આ અંગે સીટી ડિવીઝનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સ વિરૂધ્ધ ગુન્હો નોંધી પી.એસ.આઇ. એન.એમ. ઝાલા દ્વારા આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.