Tuesday, June 18, 2024
Homeરાજ્યજામનગરજામનગરના ખેડૂત પાસે દોઢ લાખની રકમ પેટે ત્રીસ લાખની વ્યાજખોરો દ્વારા માંગણી

જામનગરના ખેડૂત પાસે દોઢ લાખની રકમ પેટે ત્રીસ લાખની વ્યાજખોરો દ્વારા માંગણી

યુવાનના પિતાની જમીનનો જબરજસ્તીથી સોદાખત કરાવી લીધો : ચેક રિટર્ન કરાવી સમાધાન પેટે 30 લાખની માંગણી : ત્રણ વ્યાજખોરો વિરૂધ્ધ પોલીસ ફરિયાદ

- Advertisement -

જામનગર તાલુકાના સૂર્યપરા ગામમાં રહેતાં અને ખેતી કરતા પટેલ યુવાને તેના ભાઈની સારવાર માટે પાંચ ટકા તોતિંગ વ્યાજે દોઢ લાખની રકમ લીધી હતી. આ રકમ પેટે સાત માસ સુધી વ્યાજ ચૂકવ્યા બાદ નાણાંની ઉઘરાણી માટે ખેડૂત પાસેથી ત્રણ વ્યાજખોરએ બેંક ઓફ બરોડાના સહી કરેલા કોરા ચેક અને ખેડૂતના પિતાની જમીનનો જબરજસ્તીથી સોદાખત કરાવી લઇ 30 લાખની રકમની માંગણી કર્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -

મળતી વિગત મુજબ, જામનગર શહેર અને જિલ્લા સહિત વ્યાજખોરોનો અવિરત ત્રાસ રહ્યો છે તેમાં હાલમાં જ રાજ્ય સરકાર દ્વારા વ્યાજખોરો વિરૂધ્ધ ચલાવયેલી ઝુંબેશ અંતર્ગત દરેક જિલ્લા ક્ષેત્રે પોલીસ અધિક્ષક દ્વારા વ્યાજખોરો વિરૂધ્ધ ગુના નોંધી કડક કાર્યવાહી કરવામાં આવી હતી. દરમિયાન જામનગર શહેર અને જિલ્લામાં અનેક વ્યાજખોરો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી હતી. હાલમાં જ જામનગર તાલુકાના સૂર્યપરા ગામના વતની અને પટેલ પાર્ક વિસ્તારમાં રહેતાં સાવનભાઈ કેશવજીભાઈ મુંગરા નામના ખેડૂત યુવાને વર્ષ 2017 માં તેના ભાઈની સારવાર માટે પૈસાની જરૂરિયાત હોવાથી રઘુવીર અમરાભાઈ ગઢવી નામના વ્યાજખોર પાસેથી માસિક 5 ટકાના વ્યાજે દોઢ લાખ રૂપિયાની રકમ લીધી હતી. આ રકમ પેટે સાવને રૂા.750 દર મહિને સાત માસ સુધી વ્યાજ ચૂકવ્યું હતું.

ત્યારબાદ વ્યાજ ચૂકવી ન શકતા રઘુવીર ગઢવી દ્વારા અવાર-નવાર વ્યાજની અને રકમની પઠાણી ઉઘરાણી કરી ધમકી આપતો હતો. તેમજ ખેડૂત પાસેથી બેંક ઓફ બરોડાના સહી કરેલા ત્રણ કોરા ચેક પચાવી પાડયા હતાં. તથા સાવનના પિતાની જમીનનો જબરજસ્તીથી સોદાખત કરાવી લીધો હતો અને પ્રોમેસરી નોટોમાં સહી કરાવી લઇ દુષ્યંત પ્રતાપ લાંબા અને મનસુખ જસા બાંભવા નામના બે વ્યાજખોરો દ્વારા ચેક રીટર્ન કરાવી સમાધાન પેટે રૂા.30 લાખની માંગણી કરી પઠાણી ઉઘરાણી કરતાં હતાં. આમ વ્યાજખોરોના સતત ત્રાસથી કંટાળી ગયેલા સાવન મુંગરા નામના ખેડૂતે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે હેકો સી.ડી.જાટીયા તથા સ્ટાફે ત્રણ વ્યાજખોરો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular