કલ્યાણપુર તાલુકાના દેવળિયા ગામમાં રહેતાં પ્રૌઢ તેના બાઈક પર જતાં હતાં તે દરમિયાન ચાચલાણા ગામ નજીક પૂરપાટ આવી રહેલી છકડો રીક્ષાના ચાલકે બાઈકને ઠોકર મારી હડફેટે લેતા પ્રૌઢનું ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું.
અકસ્માતના બનાવની વિગત મુજબ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના દેવળીયા ગામે રહેતા નટુભાઈ ભગવાનજીભાઈ અંકલેશ્વરીયા નામના 58 વર્ષના પ્રૌઢ ગત તારીખ 4 ના રોજ પોતાના જી.જે. 10 એ.કે. 2898 નંબરના મોટરસાયકલ પર બેસીને પોતાના ગામે પરત આવી રહ્યા હતા. ત્યારે ચાચલાણા અને દેવળીયા ગામ વચ્ચેના માર્ગે પુરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા જી.જે. 10 ટી. 6655 નંબરના છકડો રીક્ષાના ચાલક નવીનભાઈ ગોરએ પોતાનો છકડો ગફલતભરી રીતે ચલાવી અને નટુભાઈ અંકલેશ્વરીયાના મોટર સાયકલ સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો. જેના કારણે તેમને માથાના ભાગે તથા શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ થતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું.
આ બનાવ અંગે પરેશભાઈ ગુમાનસંગ અંકલેશ્વરીયા (ઉ.વ. 45, રહે. રાવલ)ની ફરિયાદ પરથી કલ્યાણપુર પોલીસે છકડા રીક્ષાના ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી કરી હતી.