જામનગર મહાનગરપાલિકા દ્વારા દરવર્ષની જેમ આ વર્ષે પણ ઠંડીની સિઝન શરુ થઇ છે. ત્યારે શહેરમાંથી ઘરવિહોણા ભિક્ષુકો-શ્રમિકોને ગઇકાલે રાત્રે મનપાની એસ્ટેટ શાખા તથા હાપાની જલારામ સેવા ટ્રસ્ટે સાથે રહીને રાત્રીના 10 વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં ઠંડીથી ઠુઠવાતા લોકોને શોધી હાપાના સેલટર હોમમાં મોકલી ઠંડીથી રક્ષણ થાય તે માટે લોકોને સુરક્ષિત જગ્યાએ મહાનગરપાલિકાની સીટી બસ દ્વારા મોકલી આપ્યા હતાં.
જામનગર મહાનગરપાલિકાના કમિશનર વિજયકુમાર ખરાડીની સૂચના અનુસાર તથા નાયબ કમિશનર ભાવેશભાઈ જાનીના માર્ગદર્શન હેઠળ જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ, સિક્યોરિટી તથા યૂસીડી શાખાની સંયુક્ત ટીમ દ્વારા શહેરમાં શિયાળાની ઠંડીમાં ફૂટપાથ પર જીવન નિર્વાહ કરતા શ્રમિકો, ભિક્ષુકોને સમજાવીને સીટી બસ દ્વારા હાપાના સેલટર હોમમા શિફ્ટ કરવા માટે તા. 23ના રોજ રાત્રિના 10 થી 12 દરમિયાન નાઈટ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. રાત્રી દરમિયાન એસ્ટેટ ઓફિસર નિતીન દીક્ષિત, સિક્યોરિટી ઓફિસર સુનિલ ભાનુશાળી, દબાણ નિરિક્ષક યુવરાજસિંહ ઝાલા તેમજ યૂસીડીના સંગઠક હરજીભાઈ દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને પ્રોજેક્ટ પ્લાનીંગ શાખાના અર્જુનસિંહ દ્વારા લગત એજન્સી મારફત સીટી બસની વ્યવસ્થા કરવામા આવી હતી. આ નાઈટ ડ્રાઇવમા 18 જેટલા ઘરવિહોણા લોકોને રાતના હાપા સેલટર હોમમાં આશ્રય આપવામા આવ્યો હતો.
મહાનગરપાલિકાના આ માનવતાવાદી અભિયાનમા જામનગરની સેવાભાવી સંસ્થા જલારામ સેવા ટ્રસ્ટના રમેશભાઈ દતાણી, રાજુભાઈ હિંડોચા, સુનિલભાઈ તન્ના, ભાવેશભાઈ દતાણી, ભાવેશભાઈ તન્ના, વિરલભાઈ સોની, અનિલભાઈ ચાવડા તથા વાળાભાઈ વકાતર પણ સંસ્થાની મોબાઇલ વેન સાથે મહાનગરપાલિકાની ટીમ સાથે જોડાઈને સહયોગ આપ્યો હતો.