વૈશ્વિક મહામારી કોરોનાએ ફરી એક વખત ખતરો સર્જયો છે. ચીનમાં વધી રહેલા કોરોના કેસને ધ્યાને લઇ સમગ્ર વિશ્વ સતર્ક થયું છે. જેને જોતાં ભારતમાં કોરોનાનો ખતરો મંડરાઇ રહ્યો હોય, કેન્દ્ર અને રાજ્ય સરકાર પણ સતર્ક થઇ છે. કોરોનાની સંભવિત લ્હેર સામે લડવા સરકાર અને આરોગ્ય વિભાગ દ્વારા તૈયારી શરુ કરી દેવામાં આવી છે. જામનગરની જી.જી. હોસ્પિટલમાં પણ તંત્ર કોરોનાની મહામારીનો સામનો કરવા સજ્જ હોવાનું કોવિડના નોડલ અધિકારી ડો. ચેટર્જીએ જણાવ્યું હતું. જી.જી. હોસ્પિટલમાં કોરોનાની સંભવિત લ્હેરને ધ્યાને લઇ 100 બેડનો આઇસોલેશન વોર્ડ પણ તૈયાર રખાયો છે.
કોરોના મહામારીનો રોગચાળો ફરી એક વખત સામે આવી રહ્યો છે. જેને ધ્યાને લઇ ભારતમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર સતર્ક થઇ ચૂકી છે અને કોરોનાની સંભવિત લ્હેરને ધ્યાને લઇ વિવિધ પગલાં લેવાના શરુ કરી દીધા છે. જામનગરની જી.જી. હોસ્પિટલનું તંત્ર પણ કોરોનાની લડાઇ લડવા તૈયારી કરી રહ્યું છે. જામનગર કોવિડના નોડલ અધિકારી ડો. ચેટર્જીએ જણાવ્યું હતું કે, 100 બેડનો વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કુલ 41 કિલો લીટર લિક્વીડ ઓક્સિજનના ટેન્ક છે. તેમજ બે ઓક્સિજન પ્લાન્ટ છે. દરેક ઓક્સિજન પ્લાન્ટમાંથી 100-100 બેડના વોર્ડ ચલાવી શકાય. તેટલી ક્ષમતા છે. તેમજ દવાઓનો જથ્થો નર્સિંગ સ્ટાફ, ડોકટરો પણ ઉપલબ્ધ છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ચીનમાં થયેલો કોરોના કેસનો ઉછાળો ચિંતાજનક છે. પરંતુ ભારતમાં મોટાભાગના લોકોએ વેક્સિન લીધેલી છે અને છતાં તકેદારીની જરુર છે. લોકોએ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવું જરુરી છે. તેમજ હાલમાં તકેદારીના ભાગરુપે કોઇપણ દર્દીનો કોરોના લક્ષણ દેખાય તો તાત્કાલિક રિપોર્ટ કરવામાં આવે અને જો પોઝિટિવ આવે તો ગાંધીનગર ખાતે સેમ્પલ મોકલવામાં આવે છે. જેથી કોરોના વેરિયન્ટની માહિતી મળી જાય અને તે મુજબ પગલાં લઇ શકાય. આમ, કોરોનાની સંભવિત લ્હેરની સ્થિતિમાં લોકોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે જી.જી. હોસ્પિટલનું તંત્ર ઓક્સિજન, બેડ તથા વેન્ટીલેટર સહિતની સુવિધાઓ સાથે સજ્જ છે.