જામનગર શહેરમાં સાત માસ અગાઉ સમર્પણ સર્કલ પાસેથી પસાર થતી ઈકો કારના ચાલકને આંતરીને છરીની અણીએ પતાવી દેવાનો ભય બતાવી કાર બળજબરીથી પડાવી લઇ વેચાણ માટે નોટરીના લખાણમાં સહી કરાવી ધમકી આપનાર નાસતા ફરતા શખ્સને સિટી સી ડીવીઝન પોલીસે દબોચી લીધો છે.
મળતી વિગત મુજબ, જામનગર શહેરમાં સમર્પણ સર્કલ પાસેથી સાત માસ પૂર્વે ઈકો કારમાં પસાર થતા યુવાનને બે શખ્સોએ આંતરીને છરીની અણીએ પતાવી દેવાનો ભય બતાવી કાર બળજબરીથી પડાવી લઇ અને લાલ બંગલા ખાતે ચાલકને બોલાવી ધમકી આપી કારના વેચાણ અંગેના નોટરી લખાણમાં સહી કરાવી અંગુઠો મરાવી પતાવી દેવાની ધમકી આપી હતી. બળજબરીપૂર્વક ઈકો કાર પડાવી લેવાના ગુનામાં સાત માસથી નાસતા ફરતા આરોપી અંગેની પો.કો. હરદીપભાઈ બારડને મળેલી બાતમીના આધારે પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડીવાયએસપી વી.ડી.વસાવાના માર્ગદર્શન હેઠળ પીઆઈ પી.એલ. વાઘેલા, એન.એ. ચાવડા, પીએસઆઈ વી.એ.પરમાર, હેકો ફેઝલભાઈ મામદભાઈ ચાવડા, જાવેદભાઈ વજગોળ, પ્રદિપસિંહ ફતેસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ વનરાજસિંહ ચુડાસમા, પોકો મહેન્દ્રસિંહ મહિપતસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ વનરાજસિંહ જાડેજા, વિપુલભાઈ જગદીશભાઇ સોનાગરા, ખીમશીભાઈ ડાંગર, હરદીપભાઈ વસંતભાઈ બારડ, યુવરાજસિંહ ભરતસિંહ જાડેજા સહિતના સ્ટાફે વોચ ગોઠવી હતી.
વોચ દરમિયાન વામ્બેઆવાસ પાસેથી બાતમી મુજબનો શખ્સ સુનિલ ઉર્ફે સાગર હમીર માણેક પસાર થતા પોલીસે દબોચી લીધો હતો અને પૂછપરછ હાથ ધરતા સાત માસ અગાઉ ઈકો કાર બળજબરીથી પડાવી લીધાની કેફીયત આપી હતી તેમજ આ કામમાં તેના સાગરિતની શોધખોળ માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતાં.