કાયદા મંત્રી કિરણ રિજિજૂએ કહ્યું હતું કે લોકોમાં એવી ધારણા છે કે કોર્ટોમાં વેકેશ લાંબા અને વધુ હોય છે. તેમના આ નિવેદનના બીજા જ દિવસે શુક્રવારે સુપ્રીમ કોર્ટે શિયાળુ વેકેશનની જાહેરાત કરી દીધી હતી, તેથી હવે સુપ્રીમ કોર્ટમાં 17મી તારીખથી પહેલી જાન્યુઆરી સુધી શિયાળુ વેકેશન રહેશે.
કિરણ રિજિજૂએ કહ્યું હતું કે કોર્ટોમાં વેકેશન વધુ જોવા મળે છે અને ન્યાય માંગનારાઓ માટે તે ઠીક નથી. જ્યારે ગઇકાલે સુપ્રીમના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડે કોર્ટની કાર્યવાહી પુરી થતા જ જાહેરાત કરી હતી કે 17મીથી પહેલી જાન્યુઆરી સુધી વેકેશન રહેશે અને કોઇ બેંચ સુપ્રીમ કોર્ટમાં આ સમયગાળા દરમિયાન સુનાવણી માટે ઉપલબ્ધ નહીં હોય. તેથી હવે બીજી જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટ ફરી ખુલશે.
આ પહેલા પૂર્વ મુખ્ય ન્યાયાધીશ એન વી રમણાએ જજોના વેકેશનનો બચાવ કર્યો હતો અને કહ્યું હતું કે ન્યાયાધીશો વેકેશનમાં કોઇ વૈભવી જીવન નથી જીવતા હોતા, તેઓ જ્યારે કામ કરતા હોય છે ત્યારે રાત્રે પણ તેમના મગજમાં કોર્ટના ચુકાદા જ ચાલતા હોય છે. લોકોના મગજમાં ન્યાયાધીશોની રજા કે વેકેશન અંગે ખોટી ધારણા ચાલી રહી છે જેને દૂર કરવાની જરૂર છે.