જામનગરના વકીલોના બાર એસોસિએશનના હોદ્દેદારોની ચૂંટણીનું આજે મતદાન યોજાયું હતું. પ્રમુખ સહિતના હોદ્દેદારો માટે આજે સવારે 9:30 વાગ્યાથી વકીલ મંડળના ખંડમાં મતદાનનો પ્રારંભ થયો હતો. જેમાં જામનગરના વકીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી મતદાન કર્યું હતું.
જામનગર બાર એસો.ના પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, સહમંત્રી, ખજાનચી સહિતના સાત પદ માટે દરવર્ષની માફક ચૂંટણી પ્રક્રિયા યોજાઇ રહી છે. જેમાં પ્રમુખ સહિતના હોદ્ેદારો માટે આજે મતદાન પ્રક્રિયા યોજાઇ હતી. જામનગર શહેરમાં વકીલ મંડળના ખંડમાં સવારે 9:30 વાગ્યાથી મતદાનનો પ્રારંભ થયો હતો. જે બપોરે 4:30 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલશે. ત્યારબાદ સાંજે 5 વાગ્યા બાદ મત ગણતરી હાથ ધરવામાં આવશે. જેમાં જામનગર બાર એસોસિએશનના નોંધાયેલા 800થી વધુ વકીલો મતદાન પ્રક્રિયામાં જોડાયા હતાં.
જામનગર બાર એસોસિએશનની ચૂંટણીમાં પ્રમુખપદ માટે ભરતભાઇ સુવા અને વિક્રમસિંહ જેઠવા વચ્ચે જંગ છે. ઉલ્લેખનિય છે કે, બાર એસોસિએશનની ચૂંટણીના પ્રમુખપદના ઉમેદવાર ભરતભાઇ સુવા છેલ્લી આઠ ટર્મથી ચૂંટાઇ આવી રહ્યાં છે. ત્યારે આ વખતે ચૂંટણી જંગમાં ફરી રસાકસી જોવા મળશે. આ ઉપરાંત ઉપપ્રમુખ માટે અશોકભાઇ જોશી તથા ભરતસિંહ જાડેજા, સેક્રેટરી પદ માટે જીતેન્દ્ર ગોસાઇ તથા મનોજભાઇ ઝવેરી, જોઇન્ટ સેક્રેટરી પદ માટે દિપ ચંદારાણા, કિશોરસિંહ ઝાલા, રઘુવીરસિંહ કંચવા અને વનરાજસિંહ ચુડાસમા ચૂંટણી જંગમાં મેદાને છે. તેમજ લાયબ્રેરી સેક્રેટરીના પદ માટે અનિલભાઇ પુરી, બ્રિજેશભાઇ ત્રિવેદી અને રોહિતભાઇ મકવાણા તથા ખજાનચીના પદ માટે ચાંદનીબેન પોપટ, જયદેવભાઇ ગોહિલ તથા રુચિરભાઇ રાવલ વચ્ચે ચૂંટણી જંગ છે. આ ઉપરાંત કારોબારી માટે દશ ઉમેદવારો મેદાને છે.
બાર એસો.ની ચૂંટણીમાં કે.ડી. ચૌહાણ ચૂંટણી કમિશનર તરીકે, મિહીરભાઇ નંદા, ભરતભાઇ ગોસાઇ તથા વિક્રમસિંહ ગોહિલ જોઇન્ટ ચૂંટણી કમિશનર તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે.