ઓખા મંડળના બેટ દ્વારકામાં ગત શનિવારથી શરૂ થયેલું ઓપરેશન ડિમોલીશન છેલ્લા સાત દિવસથી પૂર જોશમાં ચાલ્યું હતું. ગઈકાલે શુક્રવારથી હળવી થયેલી દબાણ હટાવ ઝુંબેશ વચ્ચે ફેરી બોટ સર્વિસ રાબેતા મુજબ કરવા માટે મંજૂરી આપવામાં આવી છે. બેટ દ્વારકામાં ગત શનિવારથી શરૂ કરવામાં આવેલું મેગા ઓપરેશન ડિમોલીશનના ગઈકાલે સાતમા દિવસે દબાણ હટાવ ઝુંબેશ ધીમી રહી હતી અને દિવસ દરમિયાન કેટલાક નાના દબાણો ખુલ્લા કરવામાં આવ્યા હતા. આમ, હવે આ ઝુંબેશ અંતિમ ચરણમાં હોય તેવું ચિત્ર જોવા મળ્યું હતું.
ગત શનિવારથી બેટ દ્વારકામાં ડિમોલેશનની કામગીરી ચાલુ હોય, બેટ આવવા-જવા માટે ફેરીબોટ સર્વિસ બંધ કરી દેવામાં આવી હતી. પરંતુ આગામી દિવસોમાં ઈદનો તહેવાર આવતો હોય, મુસ્લિમ સમુદાયના આગેવાનો દ્વારા જિલ્લા પોલીસના ડીવાયએસપી સમીર સારડા તથા ડીવાયએસપી હિરેન્દ્ર ચૌધરી તથા એલ.સી.બી. પી.આઈ. ગોહેલ સાથે એક શાંતિ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ઈદના જુલુસ કયા કયા માર્ગો પરથી નીકળશે અને કેવી રીતે એ જલુસને કાઢવું તે અંગેની પોલીસ સાથે બેઠક યોજીને વાટાધાટો કરવામાં આવી હતી.
આ બેઠકમાં ઉપસ્થિત મુસ્લિમ અગ્રણી યાસીનભાઈ ગજ્જન, કાદર બાપુ (આરંભડા) કાદર પટેલ, રૂપેણ બંદરના સૂર્યાભાઈ, સતારભાઈ સહિતના મુસ્લિમ આગેવાનો દ્વારા ઈદના સંદર્ભે કરવામાં આવેલી રજૂઆતોને ધ્યાને લઈ, ફેરી બોટ સર્વિસ ગઇકાલથી શરૂ કરવા માટે તંત્ર દ્વારા મંજૂરી આપી દેવામાં આવી હતી. આગામી ઈદનું જુલુસ બેટ દ્વારકાના જુદા-જુદા ત્રણ રૂટમાં ફરશે. આ ઝુલુસ સંપન્ન થાયે મુસ્લિમ બિરાદારો એકબીજાને ઈદની મુબારકબાદી પાઠવશે તેમ નક્કી કરવામાં આવ્યું હતું.
ઈદના તહેવારમાં મુસ્લિમ સમુદાયના લોકો બેટથી ઓખા અને અન્ય સ્થળોએ આવાગમન કરતા હોય, તે માટે ફેરી બોટ સર્વિસ શરૂ કરવા માટે પોલીસને વિનંતી કરી હતી. જેથી પોલીસ દ્વારા પણ મુસ્લિમ આગેવાનોની આ રજૂઆતોને યોગ્ય ગણાવી, ફેરી બોટ સર્વિસ પુન: શરૂ કરવા માટે પરવાનગી આપવામાં આવી હતી. જેથી બજારમાં હવે ચહલપહલ પણ જોવા મળી હતી.
આ વચ્ચે વધુમાં જાણવા મળતી વિગત મુજબ બેટમાં જરૂરિયાત મુજબ ઓપરેશન ડિમોલીશન યથાવત રીતે ચાલુ રાખવામાં આવશે. ડિમોલીશનના સ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ જારી રખાશે. આટલું જ નહીં બેટ દ્વારકામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સાબૂત બની રહે તે માટે પોલીસ એસઆરપી સહિતના તમામ જવાનો ખડે પગે રહેશે.
ગત શનિવારથી બેટ દ્વારકામાં ગેરકાયદેસર દબાણો સામે હાથ ધરવામાં આવેલા મેગા ઓપરેશન ડીમોલિશનમાં આશરે 150 જેટલી દબાણવાળી જગ્યા પર તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં આશરે રૂપિયા સાત કરોડ જેટલી બજાર કિંમત ધરાવતી પોણા બે લાખ ફૂટ જેટલી જગ્યાઓ ખુલી કરવામાં આવી છે. આ લિસ્ટ હજુ પૂર્ણ કરવાનું અધૂરૂં હોય તેમ ધીમી પરંતુ મક્કમ ગતિએ દબાણ હટાવ ઝુંબેશ જારી રહેનાર છે.
દબાણકર્તા તત્વો દ્વારા ગામતળ, ગૌચર, સરકારી ખરાબા, વન વિભાગની માલિકીની જગ્યા વિગેરે પર વંડાઓ, દુકાનો, મકાનો તેમજ ધર્મ સ્થળો દ્વારા કરવામાં આવેલું વ્યાપક અને અનધિકૃત્ત દબાણ તોડી પાડવામાં આવ્યું છે. અહીં જિલ્લાના અધિકારીઓ સાથેનું તંત્ર બેટ દ્વારકામાં જ રહેતા કેટલીક સરકારી કચેરીઓમાં કેટલીક કામગીરી ધીમી થઈ ગઈ હતી.