જામનગર શહેરમાં શાકમાર્કેટ પાસેના વિસ્તારમાં ફ્રુટના વેપારી ભાઈઓ ઉપર હુમલો કરી લૂંટના બનાવમાં પોલીસે બે લૂંટારુઓની ધરપકડ કરી તેમની પાસેથી રોકડ અને લૂંટેલો મોબાઇલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં હિમતનગર શેરી નં.2 માં રહેતા રાજપાલ ચંદીરામ બાલચંદાણી (ઉ.વ.59) નામના પ્રૌઢ શાકમાર્કેટ આશાપુરા મંદિર સામે ગીતા ફ્રુટની દુકાન ચલાવે છે અને તેમની પાસેથી શાકમાર્કેટ વિસ્તારમાં રહેતાં અવેશ હનિફ શેખ અને સાઉ હનિફ શેખ નામના બે શખ્સો દુકાનદાર પાસેથી અવાર-નવાર રૂપિયાની માંગણી કરતાં હતાં. દરમિયાન બુધવારે વહેલીસવારના સમયે પણ ફરીથી આ બન્ને શખ્સોએ પ્રૌઢ વેપારી પાસેથી રૂપિયાની માંગણી કરતાં રૂપિયા આપવાની ના પાડતા રાજપાલ બાલચંદાણી નામના વેપારીને અપશબ્દો બોલી લોખંડના પાઈપ વડે હુમલો કર્યો હતો તેમજ વચ્ચે પડેલા વેપારીના ભાઈને પણ માર મારી ઈજા પહોંચાડી હતી. હુમલો કર્યા બાદ બન્ને શખ્સોએ દુકાનના કાઉન્ટરમાંથી રૂપિયા 10 હજારથી રોકડ રકમ અને 15 હજારની કિંમતનો મોબાઇલ મળી કુલ રૂા.25000 ની માલમતાની લૂંટ ચલાવી અને બન્ને વેપારી ભાઈઓને મારી નાખવાની ધમકી આપી હતી.
લૂંટના ઈરાદે હુમલાના બનાવમાં પીઆઈ એમ.જે. જલુ તથા સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન લૂંટ ચલાવનાર બે શખ્સો અંગેની પો.કો. યોગેન્દ્રસિંહ સોઢા અને સાજીદ બેલીમને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ, ડીવાયએસપી જે.એસ. ચાવડાની સૂચનાથી પીઆઇ એમ.જે. જલુ તથા પીએસઆઈ એમ.વી. મોઢવાડિયા, હેકો એન.કે. ઝાલા, મહિપાલસિંહ જાડેજા, યુવરાજસિંહ જાડેજા, દેવાયતભાઈ કાંબરિયા, પો.કો. પ્રવિણભાઈ પરમાર, શિવરાજસિંહ રાઠોડ, યોગેન્દ્રસિંહ સોઢા તથા સાજીદભાઈ બેલીમ, વિક્રમસિંહ જાડેજા, રવિરાજસિંહ જાડેજા, મેહુલભાઈ વીસાણી સહિતના સ્ટાફે માંડવી ટાવર પાસેથી અવેશ હનિફ ઉર્ફે ચુહો શેખ અને વકાસ હુશેન ઉર્ફે સાઉ હનિફ ઉર્ફે ચુહો શેખ નામના બે ફ્રુટના વેપારી ભાઈઓને ઝડપી લઇ તેમના કબ્જામાંથી લૂંટ ચલાવેલી રૂા.10 હજારની રોકડ રકમ અને રૂા.15000 ની કિંમતનો મોબાઇલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી હતી.