ભાણવડ તાલુકાના મોટા ગુંદા ગામની સીમમાં ગત સાંજે એલસીબી પોલીસે એક શખ્સ સંચાલિત જુગારના અડ્ડા પર દરોડો પાડી ચાર, વાહનો સહિત રૂપિયા સવા લાખથી વધુના મુદ્દામાલ સાથે છ શખ્સોને ઝડપી લીધા હતા.
દેવભૂમિ દ્વારકા જિલ્લા એલસીબી પોલીસ દ્વારા દારૂ-જુગાર સામે કડક હાથે કાર્યવાહી કરવા ગત સાંજે ભાણવડ પંથકમાં હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફના એ.એસ.આઈ. સજુભા જાડેજા, જેસલસિંહ જાડેજા તથા સહદેવસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે મોટા ગુંદા ગામે રહેતા ધરમશી મહાદેવભાઈ વીળજા નામના 68 વર્ષના પટેલ વૃદ્ધની વાડીના મકાન પર દરોડો પાડ્યો હતો.
આ સ્થળે જુગાર રમવા માટેની સુવિધા પુરી પાડી, અને અંગત ફાયદા માટે નાલ ઉઘરાવીને ધમધમતા જુગારના અખાડામાંથી પોલીસે ધરમશીભાઈ મહાદેવભાઈ સાથે ધનજીભાઈ રામજીભાઈ પાડલીયા સેજાભાઈ નારણભાઈ ખિંટ, નરોત્તમ માવજીભાઈ જોશી, કરશન જેઠાભાઇ ઓડીચ અને મુકેશ ભનુભાઈ નનેરા નામના છ પત્તાપ્રેમીઓને ગંજીપત્તા વડે જુગાર રમતા ઝડપી લીધા હતા.
ઝડપાયેલા આ શખ્સો પાસેથી પોલીસે રૂપિયા 21,100 રોકડા, રૂપિયા છ હજારની કિંમતના છ નંગ મોબાઈલ ફોન ઉપરાંત રૂપિયા એક લાખની કિંમતના ચાર મોટરસાયકલ મળી, કુલ રૂપિયા 1,27,110 નો મુદ્દામાલ કબજે કર્યો છે.
આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી. પી.આઈ. જે.એમ. ચાવડા, પી.એસ.આઈ. એસ.વી. ગળચર, એ.એસ.આઈ. અજીતભાઈ બારોટ, સજુભા જાડેજા, કેસુરભાઈ ભાટિયા, દેવશીભાઈ ગોજીયા, વિપુલભાઈ ડાંગર, નરસીભાઈ સોનગરા, ધર્મેન્દ્રસિંહ ચુડાસમા સાથે મશરીભાઈ આહીર, જેસલસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, ભરતભાઈ ચાવડા, અરજણભાઈ મારુ, બલભદ્રસિંહ ગોહિલ, બોઘાભાઈ કેસરિયા, જીતુભાઈ હુણ, લખમણભાઇ પિંડારિયા, હસમુખભાઈ કટારા અને વિશ્વદીપસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.
ભાણવડ પંથકમાં ધમધમતા જુગારના અખાડા પર એલસીબી પોલીસ ત્રાટકી
છ શખ્સો ઝબ્બે : રૂપિયા સવા લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે