છોટા કાશી તરીકે પ્રખ્યાત જામનગર શહેરમાં જલાની જારમાં 329 વર્ષથી નવરાત્રિ ઉત્સવ ઊજવાય છે. આ ગરબીને આજ દિવસ સુધી આધુનિકતાનો સ્પર્શ થયો નથી. લાઉડ-સ્પીકર કે સંગીતનાં વાજિંત્રો વગર માત્ર ‘નગારા’ના તાલે માત્ર પુરુષો પરંપરાગત લાલ-પીળાં અને કેશરી અબોટિયાં પહેરી આ ગરબી રમે છે.
આ ‘ઈશ્વર વિવાહ’ શરૂ થાય એટલે એકપણ ક્ષણના વિરામ વગર 3:30 કલાક સુધી સતત ગાવા અને રમવામાં આવે છે. આ ગરબીમાં ચાંદી જડિત માતાનો મઢ તથા ચાંદી જડિત મા નવ દુર્ગાના પૂતળા સદીઓ પુરાણા છે. આ ગરબી 329 વર્ષ જૂની છે, જેમાં શરૂઆતથી આજ દિવસ સુધી પુરાણી પરંપરા જાળવી રાખવામાં આવી છે.
બુધવાર રાત્રિના આસો સુદ સાતમને રાત્રિના આદ્યકવિ દેવીદાસ રચિત ‘ઈશ્વર વિવાહ’ રમાયા હતાં. સાંભળનાર શ્રોતાજનો એનો સાર સમજી શકે એ માટે એક પંક્તિ ચાર વખત ગાવામાં આવે છે. આ ‘ઈશ્વર વિવાહ’ જોવો અને ગાવો એ એક સ્મરણીય લહાવો છે, જેમાં એકપણ ક્ષણના વિરામ વગર સતત સાડાત્રણ કલાક સુધી ઈશ્વર વિવાહના ગાન સાથે ખેલૈયાઓ ગરબાની રમઝટ બોલાવે છે.
આ ગરબી પુરુષો ધોતિયું અને ઝભ્ભો પહેરીને લેવામાં આવે છે. આમાં કોઈ નાતજાતનો ભેદભાવ નથી, પાંચ વર્ષથી માંડી અને 100 વર્ષ સુધીના પુરુષો આ ગરબી રમે છે. આ ગરબીમાં ગરબા નથી ગવાતા, સંદર્ભ ગવાય છે. આ ગરબીની વિશેષતાં એ છે કે અહીં સાતમા નોરતો શિવ વિવાહ અને ઈશ્વર વિવાહ લેવાય છે. બુધવારે રમાયેલા ઈશ્વર વિવાહમાં શહેર ભાજપા પ્રમુખ ડો. વિમલ કગથરા, મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન મનિષ કટારીયા, ગોપાલ સોરઠીયા, દિવ્યેશ અકબરી, પ્રકાશ બાંભણિયા સહિતના હોદ્દેદારોએ ઈશ્વર વિવાહનો અમુલ્ય લ્હાવો લીધો હતો.