જામનગર જિલ્લામાં આ વર્ષે ચોમાસાની અનિયમિતતા અને ત્યારબાદ થયેલા બે વખતના માવઠાની અસર ખેતી પર ગંભીર રીતે જોવા મળી રહી છે. એક તરફ ચોમાસુ પાકમાં ખેડૂતોને ધાર્યો લાભ મળ્યો નથી, તો બીજી તરફ હવે શિયાળુ પાકના વાવેતરમાં પણ મોટો ઘટાડો થવાની આશંકા સેવાઈ રહી છે. દિવાળી બાદ સામાન્ય રીતે રવિ પાકનું વાવેતર શરૂ થઈ જતું હોય છે, પરંતુ આ વખતે પાણી ના અભાવે ખેડૂતોમાં વાવેતર અંગે ખાસ ઉત્સાહ જોવા મળ્યો નથી. પરિણામે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે શિયાળુ પાકના વાવેતરમાં 70 ટકા સુધીનો ઘટાડો થઈ શકે તેવી સ્થિતિ ઊભી થઈ છે.
જામનગર જિલ્લામાં ચાલુ વર્ષે વરસાદની ખેંચ અને ત્યારબાદ થયેલા પાછોતરા વરસાદથી ખેતીની સ્થિતિ પહેલેથી જ નબળી બની હતી. ચોમાસાની ખેતીમાં ધાર્યો લાભ નહીં મળતાં ખેડૂતો હવે શિયાળુ પાકનું વાવેતર કરવામાં પણ સાવચેતી રાખી રહ્યા છે. સામાન્ય રીતે નવેમ્બર મહિનાની શરૂઆતથી જ જામનગર જિલ્લામાં શિયાળુ પાકનું વાવેતર શરૂ થઈ જતું હોય છે. પરંતુ આ વખતે દિવાળી બાદ પણ ખેડૂતો દ્વારા રવિ પાકનું ખાસ વાવેતર કરવામાં આવ્યું નથી. જમીનની સ્થિતિ, પાણીની ઉપલબ્ધતા અને હવામાનને ધ્યાનમાં રાખીને ખેડૂતો વાવેતરથી દૂર રહ્યા છે. જેના કારણે આ વર્ષે શિયાળુ પાકનું વાવેતર માત્ર 25 થી 30 ટકા આસપાસ જ રહેવાની આશંકા છે.
જામનગર જિલ્લાના કાલાવડ અને જામજોધપુર પંથકમાં મગફળી અને કપાસનું વાવેતર નોંધપાત્ર પ્રમાણમાં થતું હોય છે, જ્યારે શિયાળાની સિઝનમાં ચણા, ઘઉં સહિતના પાકનું વાવેતર કરવામાં આવે છે. જોકે આ વખતે ચણા અને ઘઉંના વાવેતરમાં પણ મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. હાલ અંદાજે 25થી 30 ટકા જેટલું જ વાવેતર થયું હોવાનું જાણવા મળે છે. વાવેતરનો વિસ્તાર ઘટતાં આગામી સમયમાં ચણા અને ઘઉં સહિતના કૃષિ ઉત્પાદનોના ભાવમાં વધારો થવાની શક્યતા પણ વ્યક્ત થઈ રહી છે. જામનગર જિલ્લામાં ખેતીલાયક વાવેતર વિસ્તાર અંદાજે 3,46,428 હેક્ટર છે. આ વર્ષે ચોમાસાની સિઝનમાં અંદાજે 3,40,118 હેક્ટરમાં વાવેતર થયું હતું. જોકે વરસાદની ખેંચ અને ત્યારબાદના માવઠાના કારણે ખેડૂતોને પાકમાં જોઈએ તેવો ફાયદો મળ્યો નથી. ચોમાસાની સિઝનથી નિરાશ થયેલા ખેડૂતો હવે શિયાળુ પાકના વાવેતર અંગે પણ અનિશ્ચિતતાનો સામનો કરી રહ્યા છે.
View this post on Instagram
ખેતીની સ્થિતિની સાથે જામનગર જિલ્લામાં પીવાના પાણીની ચિંતા પણ ધીમે ધીમે ઘેરી બની રહી છે. ડિસેમ્બર મહિના બાદ જામનગર જિલ્લો પાણીની જરૂરિયાત માટે નર્મદાના નીર પર વધુ આધારિત રહે તેવી શક્યતા છે. શિયાળાની શરૂઆત થઈ હોવા છતાં ઠંડીની અસર હજુ જોઈએ તેવી જોવા મળતી નથી. બીજી તરફ શિયાળુ પાકના વાવેતર માટેનો સમય પણ ધીમે ધીમે પસાર થઈ રહ્યો છે. મોડું વાવેતર કરવાથી પાકના ઉત્પાદન પર અસર થવાની ભીતિ હોવાથી ખેડૂતો અવઢવમાં મુકાયા છે.


