Homeરાજ્યજામનગરધ્રોલ પોલીસનો દારૂના મોટા જથ્થા પર સપાટો - VIDEO

ધ્રોલ પોલીસનો દારૂના મોટા જથ્થા પર સપાટો – VIDEO

ટ્રકમાંથી 72 હજાર વિદેશી દારૂની બોટલો ઝડપાઈ : રૂ.82 લાખથી વધુનો મુદ્દામાલ કબજે : સોયલ ટોલનાકા પાસે પોલીસની વોચ દરમિયાન મોટી સફળતા, દારૂ ભરેલો ટ્રક ઝડપી એક આરોપીની ધરપકડ, જથ્થો મંગાવનાર બે અને મોકલનાર એક શખ્સ સહિત ત્રણની શોધખોળ

જામનગર જિલ્લાના ધ્રોલ પોલીસ દ્વારા વિદેશી દારૂની હેરાફેરી સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. રાજકોટ તરફથી જામનગર તરફ આવી રહેલા એક ટ્રકમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો હોવાની બાતમીના આધારે પોલીસે સોયલ ટોલનાકા પાસે વોચ ગોઠવી ટ્રકને અટકાવી તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂની નાની બોટલો નંગ 72,000 મળી આવી હતી. પોલીસે દારૂનો જથ્થો, ટ્રક, મોબાઇલ ફોન સહિત કુલ રૂ.82,05,500નો મુદ્દામાલ કબજે કરી એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે દારૂનો જથ્થો મંગાવનાર બે અને મોકલનાર એક મળી કુલ ત્રણ શખ્સોને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

- Advertisement -

પ્રાપ્ય માહિતી મુજબ રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય અને જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સૂચના અને માર્ગદર્શન હેઠળ દારૂ-જુગારની પ્રવૃત્તિઓને ડામવા કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઇન્ચાર્જ જામનગર ગ્રામ્ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષક મિત રૂદલાલના માર્ગદર્શન હેઠળ ધ્રોલ પોલીસ ઇન્સ્પેક્ટર પી.એન. ખાચર અને તેમની ટીમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ રાજેશભાઈ કે. મકવાણા, કલ્પેશભાઈ ડી. કામરિયા, હરદેવસિંહ જે. જાડેજા સહિતના પોલીસ કર્મચારીઓને સંયુક્ત રીતે બાતમી મળી હતી કે રાજકોટ તરફથી એક ટ્રકમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ભરી જામનગર તરફ લઈ જવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસ ટીમે સોયલ ટોલનાકા પાસે વોચ ગોઠવી હતી. બાતમીવાળો ટ્રક ત્યાંથી પસાર થતાં તેને અટકાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. ટ્રકની તપાસ દરમિયાન અંદરથી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની બોટલો નંગ 72,000 મળી આવી હતી. પોલીસે તાત્કાલિક દારૂનો જથ્થો અને ટ્રક સહિતનો મુદ્દામાલ કબજે કરી ટ્રકચાલકને ઝડપી લીધો હતો.

- Advertisement -

પોલીસે પકડેલા આરોપીની ઓળખ ભગીરથ ઉર્ફે ભગો નાથાભાઈ કટારા (ઉંમર 23), વ્યવસાયે ડ્રાઇવિંગ, રહે. બાવળવાવ ગામ, તાલુકો-જિલ્લો પોરબંદર તરીકે થઈ છે. જ્યારે દારૂનો જથ્થો મંગાવનાર તરીકે રાણપર ગામ, તાલુકો ભાણવડ, જિલ્લો દેવભૂમિ દ્વારકાના આલાભાઈ ખીમાભાઈ કોડીયાતર અને પોપટ આલાભાઈ કોડીયાતરનાં નામ ખુલ્યાં છે. આ ઉપરાંત રાજસ્થાનના ભીલવાડા ખાતે રહેતા રાજુભાઈ મારવાડીનું નામ દારૂનો જથ્થો મોકલનાર તરીકે સામે આવ્યું છે. આ ત્રણેય આરોપીઓને ઝડપી પાડવા પોલીસે તપાસ તેજ કરી છે. ધ્રોલ પોલીસે આ કાર્યવાહી દરમિયાન કુલ રૂ.82,05,500નો મુદ્દામાલ કબજે કર્યો છે.ટાટા કંપનીનો ટ્રક, રજીસ્ટ્રેશન નંબર GJ-25-U-8811, કિંમત રૂ.10 લાખ, એક મોબાઇલ ફોન, કિંમત રૂ.5 હજાર, બે તાડપત્રી અને દોરડું, કિંમત રૂ.500 કુલ પોલીસે દારૂના મોટા જથ્થા સાથે વાહન સહિત કુલ રૂ.82.05 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમગ્ર કામગીરી ધ્રોલ પોલીસ ઇન્સ્પેક્ટર પી.એન. ખાચર સહિત પોલીસ હેડ કોન્સ્ટેબલ રાજેશભાઈ મકવાણા, કલ્પેશભાઈ કામરિયા, હરદેવસિંહ જાડેજા તથા અન્ય પોલીસ કર્મચારીઓની ટીમ દ્વારા કરવામાં આવી હતી. ધ્રોલ પોલીસની આ મોટી કાર્યવાહીથી દારૂની હેરાફેરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. હવે પોલીસ દ્વારા આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને જામનગર તરફ કોને પહોંચાડવાનો હતો તે સહિતની કડી મેળવવા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular