મુંબઇ એરપોર્ટ પર રન-વેના સમારકામની કામગીરીને લઇ 6 કલાક માટે ફલાઇટના લેન્ડીંગ અને ટેકઓફ બંધ કરવામાં આવ્યા છે જેના કારણે જામનગર સહિતની અનેક ફલાઇટ સેવાઓ 6 કલાક માટે બંધ રાખવામાં આવી છે. આ કામગીરીની અસર અનેક ફલાઇટ સંચાલન પર જોવા મળી રહી છે.
મુંબઇના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર વાર્ષિક સમારકામ અને જાળવણીની કામગીરીને લઇને તા.19 નવેમ્બરના 6 કલાક માટે હવાઇ સેવાઓ બંધ રાખવાનો નિર્ણય કરાયો હતો. ચોમાસાની સિઝન બાદ દર વર્ષે વાર્ષિક સમારકામ કરવામાં આવે છે. આ વાર્ષિક સમારકામ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરની તપાસ કરવામાં આવે છે જેમાં રન-વે ની સપાટીનું સમારકામ, લાઇટીંગ, માર્કીગ અને ડ્રેનેઝ સિસ્ટમ સહિતની તપાસ કરવામાં આવે છે. આ કામગીરીને લઇ તા.19 નવેમ્બરના સવારે 11 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી મુંબઇના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર તમામ ફલાઇટ સેવાઓ 6 કલાક માટે બંધ કરવામાં આવી છે.
6 કલાક માટે વિમાની સેવા બંધ કરવામાં આવતા જામનગર સહિતની ફલાઇટ સેવાઓને અસર પહોંચી છે. જેના કારણે મુંબઇથી જામનગર આવતી એરઇન્ડિયા એકસપ્રેસની ફલાઇટ નં. IX 2215 / 2216 તથા ઇન્ડીગો એરલાઇન્સ ફલાઇટ નં. 6E5006 / 5007 રદ કરવામાં આવી છે. જેના કારણે આ બન્ને ફલાઇટમાં મુસાફરી કરનારા પ્રવાસીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. બીજી તરફ એરઇન્ડિયા દ્વારા IX 2217 તથા 2218 નંબરની ફલાઇટ રીસેડયુલ કરવામાં આવી છે. જે મુજબ IX 2217 સાંજે 6-25 તથા IX 2218 સાંજે 7-00 વાગ્યે નિર્ધારીત કરાઇ છે. આથી એરપોર્ટ ઓર્થોરીટી દ્વારા મુસાફરોને પોતાને સંબંધીત એરલાઇન્સનો સંપર્ક કરી ફલાઇટનું લેટેસ્ટ સ્ટેટસ ચેક કરવા જણાવાયું છે.


