ભારતીય સંરક્ષણ દળો દ્વારા જામનગર વાયુ સેના મથક પર 17 થી 19 નવેમ્બર દરમ્યાન બહુરાષ્ટ્રિય વાર્ષિક સંયુકત માનવતાવાદી સહાય અને આપદા રાહત કવાયતનું આયોજન કરવામાં આવ્યું છે. આ કવાયતના આજે અંતિમ દિવસે વાયુ સેના મથક પર મહાકાય વિમાનો અને હેલિકોપ્ટર્સ દ્વારા રાહત અને બચાવ કાર્યનું પરિક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું. આ પરિક્ષણ દરમ્યાન વાયુ સેનાના જુદા-જુદા વિમાનો અને હેલિકોપ્ટર્સ દ્વારા વાવાઝોડા, ભૂકંપ, પુર જેવી કુદરતી આપત્તિઓ તેમજ રાસાયણિક દુર્ઘટના કે હુમલા જેવી માનવસર્જિત કટોકટી દરમ્યાન ગંભીર પરિસ્થિતિમાં અસરકારક રાહત અને બચાવ કામગીરી હાથ ધરી શકાય તે માટેની તૈયારીઓનું પરિક્ષણ અને નિર્દશન કરવામાં આવ્યું હતું. આ બહુરાષ્ટ્રિય કવાયતમાં લશ્કરની ત્રણેય પાંખોએ ભાગ લીધો હતો. આ સમયે એરફોર્સના ઉચ્ચ અધિકારીઓ સાથે રાજય સરકારના મંત્રી અર્જુન મોઢવાડિયા પણ ઉપસ્થિત રહેલ હતા.
હિન્દ મહાસાગર, અરબી સમુદ્ર અને બંગાળની ખાડી સાથે સંકળાયેલા દેશોમાં સંયુકત રીતે આપદા પ્રબંધનને હાથ ધરવા માટેની આ કવાયતમાં ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, કોમોરોસ, ઇન્ડોનેશિયા, કેન્યા, મડાગાસ્કર, મલેશિયા, માલદિવ, મોરેશિયસ, મોઝામ્બીક,ઓમાન, સશેલ, સિગાપુર, સોમાલિયા, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા, ટાન્ઝાનિયા, થાઇલેન્ડ, યુએઇ, યમન, જાપાન, અમેરિકા, મ્યાનમાર અને નેપાળ જેવા દેશોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. અને જટિલ આપદા પરિસ્થિતિઓનો સામનો કરવામાં બહુપક્ષીય સહયોગ, પ્રાદેશિક ભાગીદારી અને સામુહિક તૈયારીના મહત્વ પણ પ્રકાશ પાડયો હતો. આ કવાયતથી આંતરરાષ્ટ્રિય સહયોગ મજબૂત બન્યો હોવાનું દક્ષિણ પશ્ર્ચિમ એરકમાન્ડના કમાન્ડીંગ ઇન ચીફ એરમાર્શલ પીવી શિવાનંદે જણાવ્યું હતું. તેમણે હિતધારકો વચ્ચે સરળ સંકલનની જરૂરિયાતો પર ભાર મૂકયો હતો. કવાયતના આજના અંતિમ દિવસે જામનગરના આકાશમાં એએન-3ર, જગુઆર, સી-130, એમઆઇ-17, ચિનુક, ચિત્તા, ડોનિયર એએલએચ, સી-295, સી-17 અને ડ્રોન સહિતના વિમાનો અને હેલિકોપ્ટરો દ્વારા દિલધડક કવાયત હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત જમીન પર બચાવ કામગીરી કરવા માટે વિમાનમાંથી પેરેશુટ મારફત જમીન પર ઉતરી કામગીરી હાથ ધરવાનું નિદર્શન પણ કરવામાં આવ્યું હતું. સવારે 10-15 વાગ્યે શરૂ થયેલી આ કવાયત લગભગ સવા બે કલાક સુધી ચાલી હતી.
View this post on Instagram


