જામજોધપુર તાલુકાના દલ દેવળીયા ગામમાં આવેલા કુવામાંથી યુવાનની લાશ મળી આવતા પોલીસ દ્વારા મૃતદેહનો કબ્જો સંભાળી હત્યા કે આપઘાત તે અંગેની તપાસ હાથ ધરી હતી.
બનાવની વિગત મુજબ જામજોધપુર તાલુકાના દલ દેવળીયા ગામમાં આવેલા કુવામાં લાશ હોવાની જામજોધપુર નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર ટીમ રાત્રીના સમયે બનાવ સ્થળે દોડી ગઇ હતી. ફાયર ટીમના રામભાઇ ચૌહાણ, લલીતભાઇ મકવાણા અને ભરતભાઇ બહુપીયા સહિતના સ્ટાફ દ્વારા કુવામાંથી લાશને બહાર કાઢી હતી. ત્યારબાદ આ લાશ શેઠવડાળા પોલીસને સોંપી આપવામાં આવી હતી. જેના આધારે પોલીસે મૃતકની ઓળખ મેળવતા મૃતદેહ દલ દેવળીયા ગામના હિતેશ પુંજાભાઇ મહિડા (ઉ.વ.42) નામના યુવાનનો હોવાની ઓળખ થઇ હતી. જેથી પોલીસે મૃતદેહને પીએમ માટે મોકલી મૃતકે કોઇ કારણસર આપઘાત કર્યો છે કે યુવાનની હત્યા કરી લાશને કુવામાં ફેંકી દેવામાં આવી છે તે અંગેની જીણવટભરી તપાસ આરંભી હતી.


