દ્વારકા જિલ્લામાં દારૂ-જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ સામે કડક હાથે કાર્યવાહી કરવા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાની સ્થાનિક ગુના શોધક શાખાના ઈન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશીના વડપણ હેઠળ પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી તેમજ તેમની ટીમ દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી.
આ દરમિયાન એલસીબી વિભાગના એએસઆઈ મસરીભાઈ ભારવાડીયા, જેસલસિંહ જાડેજા તેમજ દિનેશભાઈ માડમને મળેલી ચોક્કસ બાતમીના આધારે કલ્યાણપુરથી આશરે 30 કિલોમીટર દૂર ખીરસરા ગામે સીમ વિસ્તારમાં દુદા અરજણ કદાવલા નામના 50 વર્ષના સગર આધેડ દ્વારા પોતાના અંગત આર્થિક ફાયદા માટે પોતાની ઓરડીમાં બહારથી માણસો બોલાવી અને તેઓને લાઈટ, પાણી અને જુગારના સાધનોની વ્યવસ્થા પૂરી પાડી તેના બદલામાં નાલ ઉઘરાવી ચલાવતા જુગારના અખાડા પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી.
આ સ્થળેથી પોલીસે દુદા અરજણ કદાવલા, વિરમ લાખણશી મોઢવાડિયા, શૈલેષ પ્રભાશંકર આરંભડીયા, જગા જેઠા પિંડારિયા, ગંભીરસિંહ સદુભા જાડેજા અને ધીરજ જગજીવનભાઈ મોદી નામના છ શખ્સોને દબોચી લીધા હતા. ઝડપાયેલા આ શખ્સો પાસેથી પોલીસે રૂ. 1,02,900 ની રોકડા રકમ તેમજ રૂ. 25,500 ની કિંમતના પાંચ નંગ મોબાઈલ ફોન અને રૂ. 50,000 ની કિંમતની એક મોટરકાર મળી, કુલ રૂ. 1,78,400 નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી. વિભાગના ઈન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશી, પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી, એસ.વી. કાંબલીયા, મસરીભાઈ ભારવાડીયા, જેસલસિંહ જાડેજા, દિનેશભાઈ માડમ, વિશ્વદિપસિંહ જાડેજા અને હસમુખભાઈ કટારાની ટીમ દ્વારા કરવામાં આવી હતી.


