જામનગર તાલુકાના તમાચણ ગામમાં રહેતો યુવાન તેની પત્ની સાથે જામનગર પ્રસંગમાં જતો હતો ત્યારે કારચાલકે તેની કાર બેફિકરાઇથી ચલાવી રોઝડું આડું ઉતરતા કાર પલ્ટી ખાઇ જતાં યુવાનની પત્નીનું ગંભીર ઇજા પહોંચતા મોત નિપજયું હતું.
અકસ્માતના બનાવની વિગત મુજબ જામનગર તાલુકાના તમાચણ ગામમાં રહેતો વિજયભાઇ રમેશભાઇ ગુજરાતી નામનો યુવક પોતાની પત્ની અંજલિ સાથે મંગળવારે સવારના સાડા આઠ વાગ્યાના અરસામાં જામનગર પ્રસંગમાં આવતો હતો. તે દરમ્યાન ચાવડાથી અલિયા ગામ તરફ જવાના માર્ગ પર કારચાલક શૈલેષ ભરત રાઠોડે તેની કાર બેફિકરાઇથી ચલાવી હતી. તે દરમ્યાન કાર આડે રોઝડું ઉતરતા ચાલકે કાબૂ ગૂમાવી દેતાં કાર પલ્ટી ખાઇ ગઇ હતી. કાર પલ્ટી ખાઇ જતા કારમાં સવાર અંજલિબેન (ઉ.વ.18) નામની યુવતીને શરીરે તથા માથામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. તથા અન્ય વ્યક્તિઓને નાની મોટી ઇજાઓ થઇ હતી.
ત્યારબાદ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં અંજલિબેનનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. આ બનાવ અંગે મૃતકના પિતા ભૂપતભાઇ દ્વારા જાણ કરવામાં આવતાં એએસઆઇ એસ. જી. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.


