જામનગર તાલુકાના ચેલા ગામમાં રહેતાં વૃદ્ધ દંપતિ બાઇક પર જઇ રહ્યા હતા ત્યારે ખટિયા ગામના પાટિયા નજીક બાઇક આડે ખૂંટિયો ઉતરતા કાબૂ ગૂમાવી દેતાં બાઇક સ્લીપ થવાથી રોડ પર પટકાયેલા દંપતિ પૈકી વૃદ્ધનું મોત નિપજયાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
અકસ્માતના બનાવની વિગત મુજબ જામનગર તાલુકાના ચેલા ગામમાં ઇસ્માઇલ પીરની દરગાહવાળા માર્ગ પર રહેતાં કારાભાઇ કાનાભાઇ ખરા (ઉ.વ.65) નામના વૃદ્ધ ગઇકાલે તેના પત્ની ડાહીબેન સાથે જીજે10 સીએલ 4615 નંબરના બાઇક પર કાકાભાઇ સિંહણ ગામે જતા હતા ત્યારે સવારના સાડા દસ વાગ્યાના અરસામાં ખટિયા ગામના પાટિયા પાસે પહોંચ્યા ત્યારે અચાનક બાઇક આડે ખૂંટિયો ઉતર્યો હતો. જેથી વૃદ્ધ બાઇક ચાલકે બાઇક પરનો કાબૂ ગૂમાવી દીધો હતો. જેના કારણે દંપતિ બાઇક પરથી રોડ પર પટકાયું હતું. આ અકસ્માતમાં કારાભાઇને શરીરે તથા માથામાં તથા તેમના પત્ની ડાહીબેનને શરીરે ઇજા પહોંચી હતી. ત્યારબાદ ઇજાગ્રસ્ત દંપતિને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં કારાભાઇ ખરા નામના વૃદ્ધનું સારવાર દરમ્યાન મોત નિપજયાનું ફરજ પરના તબોબોએ જાહેર કર્યું હતું. આ અંગેની મૃતકના પુત્ર જીવાભાઇ દ્વારા જાણ કરાતા હે.કો. આર. એન. થાનકી તથા સ્ટાફએ હોસ્પિટલ પહોંચી જઇ વૃદ્ધના મૃતદેહને પીએમ માટે મોકલી આગળની તપાસ હાથ ધરી હતી.


